ગૃહમંત્રી-પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી હોય તેમ ગણેશ જાડેજા અને અલ્પેશ કથિરિયાનું ગોંડલમાં ઘમસાણ
Gondal Politics: રાજકોટના ગોંડલમાં ગણેશ જાડેજા અને અલ્પેશ કથરિયાના શાબ્દિક યુદ્ધે હિંસાનું સ્વરૂપ લઈ લીધું હતું. એકબાજુ ગણેશ જાડેજાના સમર્થકોએ અલ્પેશ કથિરિયાની ગાડી પર હુમલો કર્યો હતો અને જીગીશા પટેલ સામે પણ ઉગ્રતાથી વિરોધ કર્યો. ત્યાં બીજી બાજું જીગીશા પટેલ અને અલ્પેશ કથિરિયાના સમર્થકો પણ 'જય સરદાર'ના નારા સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. વહેલી સવારથી ગોંડલની સ્થિતિ એવી જોવા મળી છે, જાણે અહીં કાયદો અને વ્યવસ્થા નામની કોઈ વસ્તુ જ નથી. બંને પક્ષના સમર્થકો જાણે ગૃહમંત્રી અને પોલીસને ખુલ્લી ચેલેન્જ આપતા હોય તે રીતે રાજકીય ઘમાસાણ અને હિંસક વિરોધ પ્રદર્શનો જોવા મળ્યા. આ સિવાય ગોંડલના ધારાસભ્ય ગીતાબાએ સંપૂર્ણ ઘટના પર મૌન સેવી મૂકપ્રેક્ષક બનીને જોઈ રહ્યા હતાં અને તેમના પતિ અને દીકરો જાણે ગોંડલના જન પ્રતિનિધિ હોય તે પ્રકારે નિવેદનો આપતા જોવા મળ્યા હતાં.
અલ્પેશ કથિરિયાની ગાડી પર હુમલો
સુલતાનપુરની જનાક્રોશ સભામાં ગણેશ જાડેજાના પડકાર બાદ પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા અને જીગીશા પટેલની મુલાકાતને લઈને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોવાનો દાવો કરાયો હતો. આ મુલાકાતમાં અનેક લોકો અલ્પેશના સમર્થનમાં આવ્યા હતાં, ત્યારે ઘણાં લોકો તેની વિરોધમાં દેખાવ કરતા જોવા મળ્યા હતાં. જોકે, આ દરમિયાન આશાપુરા મંદિરથી દર્શન કરીને નીકળ્યા બાદ અલ્પેશ કથિરિયાની ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો. કડક પોલીસ બંદોબસ્ત હોવા છતાં આ હુમલામાં તેની ગાડીના કાચ તોડી નાંખવામાં આવ્યા હતા. હુમલા બાદ અલ્પેશ કથિરિયાએ કહ્યું કે, 'જ્યાં સુધી અમે ગોંડલમાં રહેશું ત્યાં સુધી વિરોધ થશે. આ જ તો મિર્ઝાપુર છે, ગોંડલમાં કોઈ વ્યક્તિ આવવા ન જોઈએ. આવે તો હુમલા કરવાના, તેના માણસો, ગાડી અને પરિવારને નુકસાન કરવાનું, ગોંડલમાં કાયદા-વ્યવસ્થાની પરિસ્થિતિને અમુક વ્યક્તિઓના ઈશારે નચાવવામાં આવી રહી છે.'
આ પણ વાંચોઃ ગોંડલમાં જીગીશા પટેલની ગાંધીગીરીઃ વિરોધીઓને હાર પહેરાવી કર્યું સન્માન
જીગીશા પટેલે વિરોધીઓનું કર્યું સન્માન
આ સિવાય જીગીશા પટેલનો પણ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. લોકો કાળા કપડાં પહેરી જીગીશા પટેલને જાતિવાદિ કહીને તેનો વિરોધ કરી રહ્યા હતા. મહિલાઓ છાજીયા લઈને તેનો વિરોધ કરી રહી હતી. એવામાં જીગીશા પટેલે આ તમામનો ગાંધીગીરીથી સામનો કર્યો હતો. જીગીશા પટેલે તમામ વિરોધ કરનારાઓને ફૂલની માળા પહેરાવી હતી. જોકે, આ દરમિયાન દેખાવકારો ઉગ્ર જોવા મળી રહ્યા હતાં. બીજી બાજું જીગીશા પટેલના સમર્થકો પણ જોરશોરથી 'જય સરદાર'ના નારા લગાવી રહ્યા હતાં.
કોઈના બાપનું ગોંડલ નથીઃ જીગીશા પટેલ
પોતાનો સામેના વિરોધના જવાબ રૂપે જીગીશા પટેલ પણ મેદાને ઉતર્યા અને કહ્યું કે, 'જીગીશા પટેલ ગોંડલ આવે તો કોઈને શું કામ તકલીફ હોય? ગોંડલ કોઈના બાપનું છે? અહીં રાજાશાહી નથી. આ લોકશાહીથી ચાલતો દેશ છે અને ગોંડલ ભારતનું અભિન્ન અંગ છે, ત્યાં જવાનો અધિકાર દરેકનો છે. મારા પર જાતિવાદના આરોપ લગાવે છે પરંતુ, જાતિવાદની વાત જ નથી. કારણ કે, જ્યારે ક્ષત્રિય આંદોલન થયું ત્યારે આ લોકો રાજકીય રોટલા શેકતા હતાં અને ત્યારે હું ક્ષત્રિય બહેનો સાથે હતી.'
ગણેશ જાડેજાનો નવો પડકાર
સમગ્ર વિરોધ પર ગણેશ જાડેજાએ પણ જનસભા કરી મીડિયા વચ્ચે અલ્પેશ કથિરિયા અને જીગીશા પટેલને ફરી એકવાર પડકાર ફેંક્યો હતો અને કહ્યું કે, 'ગોંડલની જનતા અને ગોંડલની અઢારેય વર્ણની તાકાત અને ગબ્બર નહીં પણ ગદ્દાર માનસિકતા ધરાવતા અલ્પેશ કથિરિયા અને જાતિવાદિ માનસિકતા ધરાવતા જીગીશા પટેલે ગોંડલ મૂકીનું મેદાન છોડવું પડ્યું છે. મારા પરિવાર અને ગોંડલની જનતાએ તેમને જવાબ આપ્યો છે. મારે આ લોકોને જવાબ નથી આપવો કારણ કે, ગોંડલની જનતાએ તેમને જવાબ આપી દીધો છે. આ જનઆક્રોશ કોઈ દાદાગીરી કે લમણે બંદૂક મૂકીને ભેગી થયેલી નથી. આ લોકો મને અને મારા પરિવારને સાથ આપવા આવ્યા છે. હજી તમારામાં તાકાત હોય કે, હજી કોઈને ગોંડલમાં ફરવું હોય તો આજના ગોંડલના દ્રશ્યો જોઈ લેજો.'
આ પણ વાંચોઃ ગોંડલમાં ઘમસાણ : અલ્પેશ કથિરિયાની કાર પર હુમલો, ગણેશ જાડેજાના પડકાર બાદ પહોંચ્યા હતા
મને ગુંડાગીરી દેખાતી નથી: જયરાજસિંહ જાડેજા
એકબાજુ ગણેશ જાડેજાના સમર્થકો ચંપલના હાર સાથે અલ્પેશ કથિરિયાના સ્વાગતની વાત કરી રહ્યા હતા, ત્યાં બીજી બાજું જયરાજસિંહ જાડેજાએ અલગ જ સૂર આલાપ્યો હતો. જેમાં તેમણે અઢારેય આલમની એકતાનો દાવો કરતા મીડિયા પર પ્રશ્ન કર્યા હતાં. તેમણે કહ્યું કે, '30 વર્ષથી મેં ગોંડલમાં ક્યારેય અશાંતિ નથી જોઈ. અઢારેય આલમ એક જ છે અને મને કોઈ ગુંડાગીરી દેખાતી નથી. પરંતુ, મીડિયાના માધ્યમથી અમારા ગોંડલને બદનામ કરવા માટે તેને મિર્ઝાપુર કહેવામાં આવી રહ્યું છે. ગોંડલમાં પાટીદારોની જમીન પડાવી લેવાના દાવા કરવામાં આવે છે. એવામાં હું અત્યારે જાહેરમાં કહુ છું કે, જો મેં કે મારા પરિવારમાંથી કોઈએ પણ પાટીદારની જમીન પડાવી હોય તો આજથી જ જાહેર જીવન છોડી દેવાની મારી તૈયારી છે. ગોંડલની જનતા બહારથી આવેલા લોકોને જાકારો આપવા રસ્તા પર ઉતરા હતી. ગણેશને અમે ગોંડલનું નામ નથી આપ્યું. ગોંડલની જનતા તેને પોતાના દીકરો માને છે અને તેને ગણેશ ગોંડલ નામ આપ્યું છે. આ પાટીદાર આંદોલનમાં નાપાસ થયેલાં લોકો ગોંડલનું વાતાવરણ બગાડવામાં આવ્યા છે. તમે અણવર બનાવાની કોશિશ ન કરો. ચૂંટણીમાં વરરાજા બનીને આવજો ત્યાં ગોંડલની જનતા તમને જવાબ આપશે'.
આ વિરોધીઓ ભાડેથી લાવવામાં આવેલા લોકો છે: અલ્પેશ
બીજી બાજું અલ્પેશ કથિરિયાએ ગોંડલના ચોકમાં નારેબાજી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે કહ્યું કે, ગોંડલની જનતા અમારો વિરોધ નથી કરી રહી, અમે તો ગોંડલમાં દર્શન કરવા આવ્યા છીએ. આ વિરોધીઓ ભાડેથી લઈને આવેલા લોકો છે.'
ગોંડલના ધારાસભ્ય કોણ?
સવારથી ચાલી રહેલાં આ રાજકીય નાટકમાં ગોંડલની મોટાભાગની પોલીસને જોડાઈ જવું પડ્યું હતું. વિરોધ દરમિયાન પોલીસ હાજર હતી તેમ છતાં અલ્પેશ કથિરિયાની ગાડીના કાચ તોડવામાં આવ્યા તે પોલીસ તંત્ર પર મોટો સવાલ ઊભો કરે છે. આ સિવાય કોઈપણ પક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવા માટે કોઈ અગાઉથી મંજૂરી લેવામાં નહતી આવી તેમ છતાં ગોંડલમાં જાણે કોઈ જંગની તૈયારી ચાલી રહી હોય તેવું વાતાવરણ સર્જાયું છે. તમામ ઘટનામાં આટલું રાજકીય નાટક થયું હોવા છતાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા ચૂપ જોવા મળ્યા હતાં. મીડિયા સાથે વાતચીતમાં તમામ વાતોનો જવાબ જયરાજસિંહ જાડેજા આપી રહ્યા હતાં, અને ગીતાબા જાડેજા બાજુમાં શોભાના ગાંઠિયાની જેમ બેઠા હતાં. જાણે કે, ગોંડલમા ધારાસભ્ય તરીકે ગીતાબા નહીં પરંતુ તેમના પતિ જયરાજસિંહ અને દીકરો ગણેશ શાસન કરી રહ્યા હોય. ગીતાબા જાડેજાએ ગોંડલમાં થઈ રહેલાં વિરોધ પ્રદર્શનને લઈને કે વિરોધ દરમિયાન થયેલી હિંસામાં જન પ્રતિનિધિ તરીકે મૌન સેવ્યું હતું. એવામાં આ બંને રાજકીય નેતાઓના પડકારો જાણે હવે ગૃહમંત્રી અને પોલીસને કાયદો-વ્યવસ્થા જાળવવાનો પડકાર ફેંકી રહ્યા છે.