Get The App

ગોંડલ સ્ટેટના 'અસલી રાજા' કોણ? યદુવેન્દ્રસિંહ જાડેજા અને હિમાંશુસિંહ જાડેજા વચ્ચે વિવાદ વકર્યો

Updated: Sep 28th, 2024


Google NewsGoogle News
ગોંડલ સ્ટેટના 'અસલી રાજા' કોણ? યદુવેન્દ્રસિંહ જાડેજા અને હિમાંશુસિંહ જાડેજા વચ્ચે વિવાદ વકર્યો 1 - image


Gondal State King Controversy : ગોંડલ સ્ટેટના નામે નકલી રાજા ફરતા હોવાનો દાવો કરાતા ખળભળાટ મચી ગયો છે. આ દાવો હિમાંશુસિંહ જાડેજાએ કર્યો છે, જેઓ ગોંડલ સ્ટેટના મહારાજ છે. યદુવેન્દ્રસિંહ જાડેજા નકલી મહારાજ હોવાનો હિમાંશુસિંહ જાડેજાએ દાવો કર્યો છે. અમદાવાદમાં યોજાયેલા ક્ષત્રિય સમાજના સંમેલન યદુવેન્દ્રસિંહ રાજા ન હોવા છતા હાજર રહ્યા હોવાનો આક્ષેપ છે. નવ પેઢીથી છુટા પડેલા ભાયાત યદુવેન્દ્રસિંહ પોતાને ગોંડલના મહારાજ ગણાવતા હોવાનો હિમાંશુસિંહ આરોપ લગાવ્યો છે. ત્યારે જાણો શું છે સમગ્ર મામલો...

...અને પછી મામલો આવ્યો ચર્ચામાં

યદુવેન્દ્રસિંહ નામના વ્યક્તિ પોતે ગોંડલ સ્ટેટના યુવરાજ તરીકે ઓળખ આપી કાર્યક્રમોમાં હાજરી આપતા જોવા મળ્યા હતા. મહેસાણા અને અમદાવાદના ગોતા સહિતનાં કાર્યક્રમોમાં યદુવેન્દ્રસિંહ જાડેજા નામની વ્યક્તિ ગોંડલ 'યુવરાજ' તરીકે માભો જમાવતા હોવાની વિગતો સોશિયલ મીડિયામાં વાયુવેગે ફરતી થઈ હતી. જે અંગેની માહિતી ગોંડલના કેટલાક લોકોએ રાજવી પરિવારને આ અંગે માહિતી આપી હતી. આ વાત જાણીને રાજવી પરીવાર પણ ચોંકી ગયો હતો.  ત્યારે હવે રાજવી પરીવાર દ્વારા યદુવેન્દ્રસિંહ નામના વ્યક્તિને નકલી ગણાવીને તેની સાથે કોઈપણ જાતના સંબંધ ન હોવાની વાત કરાઈ રહી છે. એવી પણ માહિતી મળી રહી છે કે, રાજવી પરીવાર યદુવેન્દ્રસિંહ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યો છે. 

યદુવેન્દ્રસિંહ અંગે ગોંડલના રાજવી પરીવારે કરી ચોખવટ

ગોંડલના રાજવી પરિવારના પ્રતિનિધિ રાજેન્દ્રસિંહ જાડેજાએ આ અંગે જણાવ્યું છે કે, 'યદુવેન્દ્રસિંહના પરદાદાએ ગોંડલ રાજ્યની નવ પેઢી પહેલા મતલબ કે ભગવતસિંહજીથી પણ પહેલા વેજાગામ અને દાળીયા ગામના બે ગરાસ અપાયા હતા. એ વર્ષો પહેલાની વાત છે. બાદમાં અને હાલમાં યદુવેન્દ્રસિંહને ગોંડલ રાજવી પરીવાર સાથે કોઈ સંબંધ નથી.' આ સાથે ચેતવણી આપતા રાજવી પરીવારે કહ્યું છે કે, 'કોઈ પણ સંસ્થા કે સમાજે ગોંડલના રાજવી પરિવાર અંગે કોઈ સ્ટેટમેન્ટ આપતા પહેલા અગાઉથી ગોંડલ સ્ટેટની મંજુરી લેવી ફરજિયાત છે.'

ગોંડલ સ્ટેટના 17મા મહારાજા હિમાંશુસિંહજી

મહારાજા ભગવતસિંહજીના પાંચમા વંશજ અને ગોંડલ સ્ટેટના 17મા મહારાજા હિમાંશુસિંહજી જ્યોતિન્દ્રસિંહજી જાડેજા છે. રાજ્યના એક માત્ર યુવરાજ હિમાંશુસિંહજી હતા. જેમનું રાજતિલક આઠ મહિના અગાઉ જ થતા તેઓ ગોંડલના રાજવી બન્યા છે. જણાવી દઈએ કે, મહારાજા ભગવતસિંહજી ગુજરાતી ભાષાના સૌપ્રથમ એન્સાઇક્લોપીડિયા ‘ભગવતગોમંડળ’ના રચયિતા અને આજથી 100 વર્ષ પહેલાં સ્ત્રી કેળવણી અને ફરજિયાત એજ્યુકેશનની શરૂઆત કરનાર મહાન વિભૂતિ હતા. ભગવતસિંહજીના કારણે તો ગોંડલ અને રાજવી પરીવારને આજે આખી દુનિયા યાદ કરે છે. 



Google NewsGoogle News