ગોંડલ બંધનું એલાન પાછું ખેંચાયું, પણ ‘જ્ઞાતિવાદ’નો રંગ લાગતા ભારે અજંપો
Gondal Bandh withdrawn : ગોંડલમાં બાળકની જાતીય સતામણી કરવા મામલે એક તરૂણને જાહેરમાં મારકૂટ કરવામાં આવ્યાના વિવાદિત મુદ્દે ઘમાસાણ મચ્યું છે. સગીરને ધોકા વડે માર માર્યાના બનાવને લઈને પાટીદાર સમાજ દ્વારા આજે શનિવારે સવારથી બપોર સુધી એટલે કે અડધો દિવસ ગોંડલ શહેર બંધનું એલાન અપાયું હતું, પણ શુક્રવારે મોડી સાંજે એકાએક એ એલાન પરત ખેંચી લેવામાં આવ્યું હતું. શુક્રવારે ભાજપના નેતા બોઘરા-રાદડીયાએ પીડિત તરૂણના પરિવારને સાંત્વના આપીને પાટીદાર નેતાઓ સાથે બેઠક કરીને મામલો થાળે પાડ્યો હતો.
ગોંડલમાં અમાનુષી માર મારવાની ઘટના બાદ સગીરને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો છે, જ્યાં આજે પ્રદેશ ભાજપ ઉપાઘ્યક્ષ ભરત બોઘરા તથા જેતપુરનાં ધારાસભ્ય જયેશ રાદડિયાએ જઇને ખબરઅંતર પુછી તેના પરિવારને સાંત્વના આપી હતી. બાદમાં બન્નેએ જણાવ્યું કે, ‘સગીરને માર મારવાની ઘટના નિંદનીય છે. જેને વખોડી કાઢીએ છીએ અને અમે પાટીદાર સમાજ સાથે છીએ. આ મામલામાં ઘટતી કલમોનો ઉમેરો કરાશે. આરોપીઓ સામે કડક કાર્યવાહી થાય તે માટે ગૃહમંત્રી તથા મુખ્યમંત્રીને રજૂઆત કરીશું. ગુંડાઓની કોઈ જાત હોતી નથી.
આ બનાવમાં જ્ઞાતિવૈમનસ્ય ઉભું થાય નહીં એ જોજો.’ બીજી બાજુ આ સગીર દ્વારા સામા પક્ષે એક બાળકની જાતીય સતામણી કરવામાં આવી હતી, જેથી એ બાળકના પરિવારના સમર્થનમાં આજે ક્ષત્રિય સમાજ દ્વારા લાલ પુલ પાસે આવેલા રાજપુત ભવન ખાતે સર્વસમાજની બેઠક બોલાવીને ચકચારી બનાવને જ્ઞાતિવાદનો રંગ અપાયાનું જણાવી રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
શું હતી સમગ્ર ઘટના?
ગોંડલના ભગવતપરા વિસ્તારમાં રહેતા એક સગીરને સંગ્રામસિંહ હાઈસ્કૂલનાં મેદાનમાં હનુમાનજી મંદિર પાસે મયુરસિંહ ઝાલા અને તેના ભાઈ દર્શનસિંહ ઝાલા તથા મિત્ર ક્રિકેટ કોચ મયુરસિંહ સોલંકીએ ધોકા વડે બેરહેમીથી માર માર્યો હતો. જેથી પીઠ, હાથ, પગમાં ગંભીર ઇજાઓ પંહોચતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. આ વિશે ત્યાં હાજર એક વ્યક્તિએ તેના પિતાને ફોન કરતાં સગીરના માતા-પિતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતાં. ત્યારે પણ સગીરને ક્રૂરતા પૂર્વક લાકડાના ધોકાથી માર મારી રહ્યા હતા. આ લોકોને અટકાવવા માટે તેમના પિતા ત્યાં પહોંચ્યા તો તેમને પણ માર મારવામાં આવ્યો. સગીરની માત જ્યારે વચ્ચે પડી તો તેમની ચૂંદડી ખેંચીને ધક્કો મારી નીચે પછાડી દેવામાં આવી અને તેને પણ ઢીકાપાટુ મારવા લાગ્યા. બાદમાં વધુ લોકો એકઠા થતાં આરોપીઓ ત્રણેયને જાનથી મારી નાંખવાથી ધમકી આપી ત્યાંથી ભાગી ગયા હતાં.