સૌરાષ્ટ્રમાં ફરી એકવાર મેઘરાજા થયા મહેરબાન, સૌથી વધુ અમરેલીમાં, જાણો ક્યાં કેટલો થયો વરસાદ
સૌરાષ્ટ્રમાં 127 ટકા (38 ઈંચ) વરસાદ પછી ચોમાસુ ગતિશીલ જામકંડોરણા, જસદણ, મોરબીમાં દોઢ ઈંચ, : લાલપુર, અમરેલી, લાઠી, કોટડાસાંગાણી,બાબરા, મેંદરડા, થાનગઢ, ધારી સહિત વ્યાપક વરસાદ
Gujarat rain and weather news And updates | સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં ચોમાસામાં કૂલ સરેરાશ સામાન્ય રીતે 29.50 ઈંચ વરસાદ સામે આ વર્ષે આજ સુધીમાં 37.50 ઈંચ વરસાદ એટલે કે મૌસમનો 126 ટકા અર્થાત્ સોળ આનીને બદલે વીસ આની વરસાદ તો વરસી ગયો છે અને હજુ મેઘરાજા છૂટાછવાયા સ્થળે ધોધમાર વરસી રહ્યા છે. અમરેલીના વડિયામાં ધોધમાર અઢી ઈંચ તથા ગોંડલમાં 2 ઈંચ અને ટંકારા, જેતપુર, રાજકોટ, ખંભાળિયા તાલુકામાં દોઢથી બે ઈંચ વરસાદ વરસી જતા માંડ સુકાયેલા માર્ગો ફરી પાણીથી તરબતર થયા હતા.
રાજકોટ જિલ્લામાં ગોંડલમાં સૌથી વધુ બે ઈંચ વરસાદ વરસી ગયો હતો જ્યારે જેતપુર અને રાજકોટમાં દોઢથી પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજકોટ શહેરમાં ધોધમાર દોઢ ઈંચ વરસાદથી માર્ગો પર પાણી ભરાયા હતા અને વરસાદ સાથે તીવ્ર ગતિએ પવન ફૂંકાયો હતો. જિલ્લામાં રાત્રિના આઠ સુધીમાં આ ઉપરાંત જસદણ તાલુકામાં દોઢ ઈંચ, કોટડાસાંગાણી તા.માં એક ઈંચ, ઉપરાંત ધોરાજી સહિતના સ્થળે ઝાપટાં વરસ્યા હતા. લોધિકા તાલુકામાં ઝાપટાં વરસ્યા હતા. જિલ્લામાં ભારે વરસાદથી રાજકોટ,જેતપુર વગેરે શહેરોને પીવાનું તેમજ સિંચાઈનું પાણી પરૂં પાડતા સૌરાષ્ટ્રના બીજા નંબરના મોટા ડેમ ભાદરના 7 દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા હતા.
અમરેલી જિલ્લામાં વડિયામાં મુશળધાર ઉપરાંત અમરેલી, લાઠીમાં એક ઈંચ, બાબરામાં એક ઈંચ જ્યારે કોટડાપીઠામાં ધોધમાર બેથી ત્રણ ઈંચ સુધી વરસાદના અહેવાલ છે. ધારીમાં પોેણો ઈંચ અને બગસરા, જાફરાબાદ, સાવરકુંડલામાં પણ અર્ધોથી પોણો ઈંચ પાણી વરસી ગયું હતું. અમરેલીના ઠેબી ડેમનો એક દરવાજો અને વડિયાના સુરવો ડેમના 2 દરવાજા ખોલાયા તથા રાજુલાના ધાતરવડી સહિત ડેમ ઓવરફ્લો થયો હતો. બાજુના ભાવનગર,બોટાદ જિલ્લાના બોટાદમાં અને શિહોરમાં બે ઈંચ સહિત સમગ્ર જિલ્લામાં વરસાદ વરસ્યો હતો.
મોરબી જિલ્લામાં ટંકારામાં વધુ દોઢ ઈંચ, મોરબીમાં સવા ઈંચ, વાંકાનેર,માળિયા તાલુકામાં અર્ધો ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ અને ચોટીલા તાલુકામાં પણ અર્ધો ઈંચ જેટલું પાણી પડી ગયું હતું. દેવભુમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં દોઢ ઈંચ સાથે મૌસમનો કૂલ વરસાદ 89 ઈંચ થયો છે. ઉપરાંત જામનગરના લાલપુરમાં સવા ઈંચ, જોડિયા, ધ્રોલ સહિત વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાં વરસ્યા હતા.
જુનાગઢ જિલ્લામાં સવારથી વરસાદી માહૌલ છવાયો હતો અને મેંદરડામાં આશરે એક ઈંચ પાણી વરસી ગયું હતું. ભેંસાણ, વિસાવદર, જુનાગઢમાં પણ 4થી 10 મિ.મિ.વરસાદ વરસી ગયો હતો. ગુજરાતના 190 તાલુકામાં આજે મેઘરાજાની પધરામણી થઈ હતી જો કે સૌથી વધુ વરસાદ 4.50 ઈંચ ગાંધીનગરના માણસા ખાતે અને મહેસાણાના વિજાપુર ખાતે નોંધાયેલ છે. મૌસમ વિભાગે આવતીકાલે સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં ભારે, અન્યત્ર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.