ગોમતીપુરમાં શખ્સે બિભત્સ ઈશારા કરીને યુવતીની છેડતી કરી
શખ્સે અને તેની પુત્રીએ યુવતીને ફટકારી પણ હતી
યુવતી નોકરી જતી ત્યારે શખ્સ તેનો પીછો કરતો હતો
અમદાવાદ, તા.20 એપ્રિલ-2023, ગુરુવાર
ગોમતીપુરમાં યુવતીની તેની ચાલીમાં રહેતા શખ્સે બિભત્સ ઈશારા કરીને છેડતી કરી હતી. જેમાં યુવતી નોકરી પર જતી ત્યારે પણ શખ્સ તેનો પીછો કરતો હતો. આટલું જ નહિ યુવતી કંઇ કહેવા જાય તે પહેલા શખ્સે અને તેની પુત્રીએ યુવતીને ફટકારી હતી. આ અંગે યુવતીએ શખ્સ અને તેની પુત્રી સામે પોલીસ સ્ટેશનમાં છેડતી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોધાવી છે.
ગોમતીપુરમાં 26 વર્ષીય રેખા પટેલ ( નામો બદલેલ છે ) પરિવાર સાથે રહે છે. જેમાં તેની ચાલીમાં રહેતા રમણ ચાવડા યુવતી નોકરી પર જતી તે સમયે તેનો પીછો કરતો હતો. જેમાં ગત 19 એપ્રિલે સાંજના સમયે રેખા ઘરે હતી તે સમયે રમણ ચાવડાએ યુવતીના ઘર પાસે જઇને ગંદા ઇશારા કરીને રેખાની છેડતી કરી હતી. તે સમયે રેખાએ કંઇક કહેવા જતા રમણે ઉશ્કેરાઇને બિભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. આ ઉપરાંત રમણે અને તેની પુત્રીએ રેખાને સાવરણી અને લાકડાના ઇસ વડે ફટકારી હતી. જેથી ઇજાગ્રસ્ત રેખાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે રેખાએ રમણ અને તેની પુત્રી સામે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં છેડતીની કલમ સહિત ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.