વડોદરામાં ચોર ટોળકીનો હાહાકાર : માંજલપુર અને તરસાલીના ત્રણ મકાનોમાંથી સોના-ચાંદીના દાગીના, ડોલર સહિત 8 લાખની ચોરી
Vadodara Theft Case : વડોદરાના માંજલપુર અને તરસાલી વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન ચોર ટોળકીએ હાહાકાર મચાવ્યો છે. ચોર ટોળકીએ ત્રણ સ્થળે 8 લાખની મતાના સોના-ચાંદીના દાગીના અને યુ.એસ.ડોલર ચોરી ગયા હતા. જોકે, આ વખતે મકરપુરા પોલીસે યુ.એસ.ડોલરની કિંમત ગણી હતી.
માંજલપુર સનસાઇન ગ્લોબલ હોસ્પિટલની બાજુમાં મનમોહન સોસાયટીમાં રહેતા જીમીભાઇ પટેલ અકોટા ખાતે 36 ઇ.એસ.એકાઉન્ટ્સ પ્રા.લિ.માં પ્રોપર્ટી મેનેજર તરીકે નોકરી કરે છે. તેમના માતા પિતા વાઘોડિયા રોડ શિવમ પાર્ક સોસાયટીમાં રહે છે. તેમની સાસરી ઓ.એન.જી.સી.ની સામે લક્કી એપાર્ટમેન્ટમાં છે. તેમની પત્નીએ દીકરાનો જન્મ આપ્યો હોઇ તેમના સાસુ અરૂણાબેન જગદીશભાઇ પટેલ લક્કી એપાટેમેન્ટવાળું મકાન બંધ કરીને મનમોહન સોસાયટીમાં ગયા હતા. તે દરમિયાન તેમના બંધ મકાનના તાળા તોડીને ચોર ટોળકી 13 તોલા ઉપરાંતના વજનના સોના અને ચાંદીના દાગીના, રોકડા 12 હજાર તથા 300 યુ.એસ. ડોલર કિંમત રૂપિયા 26 હજારના મળીને કુલ રૂપિયા 6.41 લાખની મતા ચોરી ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, સોનાનો ભાવ 86 હજાર ચાલે છે. જ્યારે પોલીસે માત્ર 55 હજારનો ભાવ જ ગણ્યો છે.
તરસાલી રીંગરોડ પર વ્રજવિહાર સોસાયટીમાં રહેતા રણજીતસિંહ પરસોત્તમભાઇ ગોહિલ પોર જી.આઇ.ડી.સી.માં કંપની ચલાવે છે. ગત તા.8મી ફેબ્રુઆરીના સાંજે સાડા ચાર કલાકે દીકરી પ્રભાવતીબેનના ઘરે પરિવાર સાથે ગયા હતા. તે દરમિયાન તેમના ઘરના તાળા તોડીને ચોર ટોળકી પોણા છ તોલા ઉપરાંતના વજનના દાગીના, ચાંદીના દાગીના, ઘડિયાળ અને રોકડા 40 હજાર મળી કુલ રૂપિયા 4.20 લાખની મતા ચોરી ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, આ ચોરીના બનાવમાં પણ પોલીસે સોનાનો ભાવ 86 હજાર નહીં પણ 50 હજાર ગણ્યો છે.
જ્યારે અન્ય એક બનાવમાં માંજલપુર સાંઇ ચોકડી પાસે યોગી દર્શન ફ્લેટમાં રહેતા સાગરભાઇ જ્યંતિભાઇ સોલંકી ગોરવા પંચવટી રોડ પર ઓરા સ્કવેરમાં એમ-3 જે લિ. કંપનીમાં મિકેનિકલ ડિઝાઇનર તરીકે નોકરી કરે છે. તેમના પિતા બીમાર હોઇ તરસાલીની વિનાયક હોસ્પિટમલાં સારવાર માટે દાખલ છે. જેથી, ગઇકાલે રાતે દોઢ વાગ્યે તેઓ મકાનને તાળું મારીને દવાખાનામાં ઊંઘવા માટે ગયા હતા. સવારે સાત વાગ્યે તેઓ ઘરે ગયા ત્યારે તેમના મકાનના દરવાજાનું તાળું તૂટેલું હતું. અંદર જઇને જોયું તો ચોર ટોળકી સોનાના દાગીના કિંમત રૂપિયા 1.30 લાખના ચોરી ગયા હતા. જે અંગે માંજલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.