વડોદરામાં ચોર ટોળકીનો આતંક જારી : પુના ખાતે આશ્રમમાં ધાર્મિક વિધિ માટે ગયેલા ફાર્માસિસ્ટના મકાનમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી
Vadodara Theft Case : વડોદરા શહેર જિલ્લામાં ચોર લૂંટારૂ ટોળકીનો આતંક વધ્યો છે ત્યારે વડોદરા પોલીસ દ્વારા અવારનવાર લોકોએ આપવાથી ગેરમાર્ગે દોરાવવું નહીં અને કોઈ ચોરને પકડવામાં આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી રહી છે ત્યારે આજે વધુ એક ચોરીનો કિસ્સો પોલીસ દફતરે નોંધાયો છે.
પુના ખાતે ગુરુજીના આશ્રમમાં ધાર્મિક વિધિ માટે એક સપ્તાહ માટે ગયેલા જીએસએફસીના ફાર્માસિસ્ટના છાણી સ્થિત સોહમ બંગ્લોઝના બંધ મકાનના તાળા તોડીને ચોર ટોળકી સોના-ચાંદીના દાગીના સહિત કુલ મળીને 57 હજારની માલમતા ચોરી ગયાની ફરિયાદ છાણી પોલીસ મથકે નોંધાઇ છે.
જીએસએફસી કંપનીમાં ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતા દીપક મધુકર પાટીલ પુના ખાતે આશ્રમમાં ધાર્મિક વિધિમાં હાજરી આપવા છાણી સ્થિત સપ્તપદી પાર્ટી પ્લોટ પાછળના બંગલોના રહેણાંક મકાનને તાળા મારીને પરિવારજનો સાથે ગઈ તા.2 ઓક્ટોબરે વહેલી સવારે ચાર વાગ્યે ગયા હતા. જ્યાંથી એક સપ્તાહ બાદ તા.8 મીએ વડોદરા પરત આવ્યા હતા. દરમિયાન બંધ મકાનના આગળના મુખ્ય દરવાજાનું તાળું તોડીને ચોર ટોળી ઘરની તિજોરીનો સામાન વેર વિખેર કરીને સોના-ચાંદીના દાગીના તેમજ અન્ય માલમતા ચોરી ગયા હતા. બનાવ અંગે દિપક પાટીલે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.