માંડવીના ગોધરામાં ધોળા દિવસે તલવારના ઘા મારી ક્રૂરતાપૂર્વક હત્યા, પોલીસની કામગીરી સામે અનેક સવાલો
Murder in Mandavi : રાજ્યમાં સતત ગુનાખોરી અને હત્યાના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે વહેલી સવારે કચ્છના માંડવીના ગોધરામાં એક 25 વર્ષીય યુવતીની તલવારના ઘા મારી ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો છે. પશ્વિમ કચ્છમાં કાયદો વ્યવસ્થા કથળતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ પોલીસની કામગીરીને લઇને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
હાલમાં મળતી માહિતી મુજબ કચ્છના માંડવી તાલુકાના ગોધરામાં આજે વહેલી સવારે એક યુવતી નોકરી જવા માટે બસની રાહ જોઇ રહી હતી. આ દરમિયાન અજાણ્યા શખ્સોએ બાઇક પર આવીને 25 વર્ષીય યુવતીની નિર્દયતાપૂર્વક તલવારના ઘા મારી હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે. આ હત્યાના બનાવના પગલે સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. હત્યાના બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે યુવતીની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી દીધી છે.
આ પણ વાંચો : અમદાવાદના બુટલેગરો અપગ્રેડ થયા, ફૂડ સપ્લાયના નામે દારૂની હોમ ડિલિવરી શરુ કરી
પોલીસ તપાસ કરી રહી છે કે યુવતીની હત્યા કયા કારણોસર કરવામાં આવી છે. યુવતીનું કોઇ યુવક સાથે પ્રેમસંબંધ હતો કે પછી એકતરફી પ્રેમમાં આ કરૂણ અંજામ આપવામાં આવ્યો છે. હત્યાનું કારણ હજુ જાણી શકાય નથી. પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ પોલીસ કામગીરી સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી પશ્વિમ કચ્છમાં કાયદો વ્યવસ્થા કથળતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.