કાલે અઢારેય વર્ણના કુળદેવી ખોડિયાર માતાજીનો જન્મ જયંતિ મહોત્સવ ઉજવાશે
- માઈ મંદિરોમાં જય માતાજીનો ગગનભેદી જયઘોષ ગૂંજી ઉઠશે
- રાજપરા અને નાગધણીબા સહિત ખોડિયાર માતાજીના તમામ મંદિરે સવારથી જ શ્રધ્ધાળુઓ દર્શનાર્થે ઉમટશે
આવતીકાલ તા.૫-૨ ને બુધવારે ભાવનગર શહેરમાં સંસ્કાર મંડળ નજીક આવેલા ખાંડીયા કુવા ખોડિયાર માતાજીના મંદિરેથી સવારે ૮ કલાકે માતાજીની શોભાયાત્રા નીકળશે. સવારે ૯ કલાકે હોમાત્મક નવચંડી યજ્ઞાનો પ્રારંભ થશે. સવારે ૧૦ કલાકે ધ્વજદંડ આરોહ સ્થાપન થશે. સાંજે ૫ કલાકે શ્રીફળ હોમાશે બાદ સાંજે ૭-૧૫ કલાકથી મહાપ્રસાદ રાખેલ છે. રાત્રે ૮ કલાકે ડાક ડમરૂનો કાર્યક્રમ રાખેલ છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, ભાવનગરના આ પૌરાણિક અને શ્રધ્ધાસ્થાનકમાં બહોળી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે ઉમટતા હોય છે એટલુ જ નહિ, અત્રે સાંજે હજજારો ભાવીકો ભાવભેર મહાપ્રસાદ લઈને ધન્યતાની લાગણી અનુભવશે. જયારે સિહોર તાલુકાના રાજપરા ખાતે આવેલા આઈ શ્રી ખોડિયાર માતાજીના મંદિરમાં પરંપરાગત રીતે જન્મ જયંતિની ભારે ઉત્સાહભેર ઉજવણી કરાશે.મહંત પરિવાર દ્વારા આ પ્રસંગે સવારે ૫ કલાકે મંગળા આરતી, સવારે ૧૧ કલાકે બાવન ગજની ધજા મંદિરના શીખર પર ચડાવાશે. સવારથી સર્વે ભાવિકોને લાપસીના મહાપ્રસાદનું વિતરણ કરાશે. અત્રે એ નોંધનીય છે કે, દર વર્ષે રાજપરા ખોડિયાર માતાજીના મંદિરે કારતક માસમાં લાભ પાંચમના મહિમાવંતા મહાપર્વથી પૂનમ સુધી, વર્ષની ચારેય નવરાત્રિ દરમિયાન તેમજ દર શનિવાર, રવિવાર તેમજ ધાર્મિક તહેવારો અને રજાના દિવસોમાં ૭૦ હજારથી વધુ આબાલવૃધ્ધ માઈભકતો દર્શનાર્થે ઉમટતા હોય છે. તહેવારોના દિવસોમાં ગામેગામથી ૧૫૦ ઉપરાંત સંઘો દ્વારા વાજતે-ગાજતે માતાજીને ધજા ચડાવતા હોય છે અને લાપસીની પ્રસાદી ધરાવાય છે. અત્રે દર રવિવારે અંદાજે ૨૦ હજારથી વધુ ભાવિકો દર્શનાર્થે આવે છે અને જય માડી ખોડિયાર જય જય ખોડિયારનો ગગનભેદી જયઘોષ ગૂંજી ઉઠે છે. આ ઉપરાંત નાગધણીબા ખોડિયાર માતાજીના મંદિરે પણ પ્રાગટયોત્સવ ઉજવાશે. તળાજાના તાલધ્વજ ડુંગર પર બિરાજમાન આઈ શ્રી ખોડિયાર માતાજીના મંદિરે બુધવારે સવારે ૯ કલાકે વિપુલભાઈ દેસાઈના શાસ્ત્રીપદે યજ્ઞાનો પ્રારંભ થશે. સાંજે ૫ કલાકે બીડુ હોમાયા બાદ ભોજન પ્રસાદ રાખેલ છે.