સરદાર વલ્લભભાઇ પટેલની જન્મભૂમિ કરમસદ નગરને રાષ્ટ્રીય દરજ્જો આપો
- કોલ્ડપ્લે કોન્સર્ટ સ્થળે પોસ્ટરોએ ધ્યાન ખેચ્યું
- જિલ્લા વિભાજનનો મુદ્દો સળગ્યો છે, ત્યારે પાટીદાર નેતાઓએ જન્મભૂમિની માંગને બુલંદ બનાવી
અમદાવાદ : અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને પગલે યુવાઓમાં મ્યુઝિકની મસ્તી માણવોનો અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. જોકે, કોન્સર્ટના સ્થળે જ સરદાર પટેલની જન્મભૂમિ કરમસદને રાષ્ટ્રીય દરજ્જો આપો તેવા બેનરો જોવા મળ્યા હતાં. જેના કારણે આ મુદ્દે ચર્ચાનો વિષય બની રહ્યો હતો.
અમદાવાદમાં કોલ્ડપ્લે ફિવર જામ્યો છે. શનિવારે બપોરથી જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ચાહકોની ભીડ જામી હતી. તે વખતે સ્ટેડિયમ પાસે જ પાટીદાર નેતાઓના નામ સાથેના બેનરોએ લોકોનું ધ્યાન ખેંચ્યુ હતું. આ પોસ્ટર પર એવુ લખાણ લખવામાં આવ્યુ હતુ કે, કોલ્ડપ્લે ટીમનું ગુજરાતમાં સ્વાગત છે. સરદાર વલ્લભભાઇ પટેલની જન્મભૂમિ કરમસદને રાષ્ટ્રીય દરજ્જો આપો. એક તરફ, બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરાતાં ધાનેરા, કાંકરેજ અને દિયોદરમાં સરકાર વિરૂધ્ધ દેખાવો-ધરણાં યોજાઇ રહ્યાં છે. આ મુદ્દો સળગ્યો છે ત્યારે જ પાટીદાર નેતાઓએ કરમસદ મુદ્દે માંગ બુલંદ બનાવી છે. કોલ્ડપ્લે કોન્સર્ટ સ્થળે સરદાર જન્મભૂમિ મુદ્દે બેનરો લાગતાં નવા વિવાદે જન્મ લીધો છે.