Get The App

ગિરનારની લીલી પરિક્રમાનો મંગળવારથી થશે પ્રારંભ, એક દિવસ પહેલાથી જ ઉમટી પડી ભાવિકોની ભીડ

Updated: Nov 11th, 2024


Google NewsGoogle News
ગિરનારની લીલી પરિક્રમાનો મંગળવારથી થશે પ્રારંભ, એક દિવસ પહેલાથી જ ઉમટી પડી ભાવિકોની ભીડ 1 - image

Girnar Lili Parikrama : જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો અનેરો મહિમા છે. દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ લીલી પરિક્રમા કરવા માટે આવતા હોય છે, ત્યારે આવતીકાલ મંગળવારથી લીલી પરિક્રમા શરુ થશે જે 15 નવેમ્બર સુધી ચાલશે. લાખોની ભીડ ઉમટતી હોવાથી યાત્રામાં હાલાકી ન પડે તે માટે સેંકડો લોકોએ એક દિવસ પૂર્વે જ પરિક્રમા શરુ કરી દીધી છે.  

એક દિવસ પહેલા જ ઉમટી પડ્યો ભાવિકોનો પ્રવાહ

ગિરનારની લીલી પરિક્રમાનો આવતી કાલે મંગળવારે દેવી ઊઠી અગિયારસની મધ્યરાત્રિએ વિધિવત પ્રારંભ થાય છે, ત્યારે અગાઉથી જ ભાવિકોનો પ્રવાહ આવવાનો શરુ થયો છે. જેમાં પરિક્રમાર્થીઓએ એક દિવસ પૂર્વે જંગલમાં પ્રવેશ કર્યો છે. જ્યારે તળેટી વિસ્તારમાં અન્નક્ષેત્રમાં હરિહરનો સાદ ગુંજી રહ્યો છે. પોણા લાખથી વધુ લોકોના આગમનથી તળેટી વિસ્તારમાં મેળા જેવો માહોલ સર્જાયો છે. ભવનાથ જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડમાં વાહનોના ખડકલો જોવા મળ્યો. આગોતરી પરિક્રમા માટે ભીડ ન થાય તેથી રૂપાયતન રોડ પર જ પોલીસ દ્વારા બેરિકેટ લગાવી પરિક્રમાર્થીઓને ભવનાથ તળેટીમાં પરત મોકલવામાં આવી રહ્યા છે, જેથી લાલ ઢોરી પાસે આ વખતે જૂજ લોકો જોવા મળી રહ્યા છે.

50થી વધુ અન્નક્ષેત્રો થયા ધમધમતા

લીલી પરિક્રમામાં આશરે 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ જોડાય છે, ત્યારે તેમના ભોજન-પ્રસાદ માટે પરિક્રમાના માર્ગ પર 50થી વધુ અન્નક્ષેત્રો ધમધમતા થયા છે. આ આયોજકો પાસેથી તેઓ પ્લાસ્ટિકનું પ્રદૂષણ નહીં કરે તેવી લેખિતમાં બાંહેધરી લેવામાં આવી છે. 

ગિરનારની લીલી પરિક્રમાનો મંગળવારથી થશે પ્રારંભ, એક દિવસ પહેલાથી જ ઉમટી પડી ભાવિકોની ભીડ 2 - image

જાણો જિલ્લા કલેક્ટરે શું કહ્યું?

હાઇકોર્ટની કડક સૂચના

આદી અનાદિ કાળથી દેવ ઊઠી અગિયારસથી પૂનમ સુધી ગરવા ગિરનારની ગોદમાં લીલી પરિક્રમા યોજાય છે. સમયાંતરે લોકોની ભીડ વધવા લાગતા હવે તો લીલી પરિક્રમાનું સ્થાનિક પ્રશાસન દ્વારા ખાસ આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વખતે હાઇકોર્ટની કડક સૂચનાને અનુરુપ પરિક્રમાનું આયોજન કરાયું છે. 

ગિરનારની લીલી પરિક્રમાનો મંગળવારથી થશે પ્રારંભ, એક દિવસ પહેલાથી જ ઉમટી પડી ભાવિકોની ભીડ 3 - image

પરિક્રમા જતાં પહેલા આટલું ધ્યાન રાખજો

પરિક્રમામાં હવે પ્લાસ્ટિકનું પ્રદૂષણ વધી રહ્યું છે. જેના કારણે હાઇકોર્ટે અભયારણ્યોને પ્લાસ્ટિક પ્રદુષણ મુક્ત બનાવવાને માટે તાકીદ કરી છે. જેથી પરિક્રમા સમયે અભયારણ્યમાં પ્રતિબંધિત કરાયેલી પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ કોઈપણ વ્યક્તિ સાથે લઈને જશે તો કાર્યવાહી કરાશે. વન વિભાગની તપાસ ટીમ આ બાબતે ખાસ નજર રાખશે અને આવી વસ્તુઓ જપ્ત કરશે. જેથી આ પ્રકારની વસ્તુઓ લઈ જવાનું ટાળવાની સૂસચના અપાઈ છે.

ગિરનારની લીલી પરિક્રમાનો મંગળવારથી થશે પ્રારંભ, એક દિવસ પહેલાથી જ ઉમટી પડી ભાવિકોની ભીડ 4 - image

નેચર સફારી આગામી 15 નવેમ્બર સુધી બંધ રહેશે

પરિક્રમાર્થીઓ અને વન્યજીવોની સલામતીને ધ્યાનમાં રાખી વનતંત્ર દ્વારા આજે સોમવારથી(11 નવેમ્બર)થી 15 નવેમ્બર સુધી જૂનાગઢ નેચર સફારીમાં સિંહ દર્શન બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

ગિરનાર રોપ-વેના ભાડામાં વધારો 

ગિરનાર જનારા ઘણા લોકો પર્વત પર જવા રોપવેનો પણ સહારો લેતા હોય છે. ત્યારે જણાવી દઈએ કે તાજેતરમાં જૂનાગઢના ગિરનાર રોપ-વેના ભાડામાં 10 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. આમ હવે રોપ-વેમાં પર્વત પર જવા-આવવા માટે 600 રૂપિયાને બદલે 699 રૂપિયા ચૂકવવા પડશે. મળતી માહિતી પ્રમાણે, ઑથોરિટીએ રોપ-વેના મેઇન્ટેનન્સને ધ્યાનમાં રાખીને ભાડામાં વધારો કર્યો હોવાનું જાણવા મળ્યું છે.


Google NewsGoogle News