ગિરનારની લીલી પરિક્રમા: યાત્રામાં જાવ તો આ વાતનું રાખજો ધ્યાન, તો સંતોએ કરી ખાસ માગ
Girnar Parikrama : જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો અનેરો મહિમા છે. દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ લીલી પરિક્રમા કરવા માટે આવતા હોય છે. આગામી 12 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી પરિક્રમા યોજાશે, ત્યારે આ વખતે યાત્રામાં જનારા લોકોએ કેટલીક વાતનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. સાથે જ સંતોએ પણ સ્થાનિક પ્રશાસન સામે કેટલીક માગ રાખી છે.
હાઈકોર્ટની કડક સુચના
આદી અનાદિ કાળથી દેવ ઉઠી અગિયારસથી પૂનમ સુધી ગરવા ગિરનારની ગોદમાં લીલી પરિક્રમા યોજાય છે. સમયાંતરે લોકોની ભીડ વધવા લાગતા હવે તો લીલી પરિક્રમાનું સ્થાનિક પ્રશાસન દ્વારા ખાસ આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વખતે હાઈકોર્ટની કડક સુચનાને અનુરુપ પરિક્રમાનું આયોજન કરાશે.
આ પણ વાંચો : સોમનાથની ગાથા વર્ણવતો થ્રીડી લાઈટ એન્ડ સાઉન્ડ શો આજથી શરૂ, ચોમાસામાં શો રખાય છે બંધ
પરિક્રમા જતા પહેલા આટલું ધ્યાન રાખજો
પરિક્રમામાં હવે પ્લાસ્ટિકનું પ્રદૂષણ વધી રહ્યું છે. જેના કારણે હાઈકોર્ટે અભયારણ્યોને પ્લાસ્ટિક પ્રદુષણ મુક્ત બનાવવાને લઈને તાકીદ કરી છે. જેથી પરિક્રમા સમયે અભયારણ્યમાં પ્રતિબંધિત કરાયેલી પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ કોઈપણ વ્યક્તિ સાથે લઈને જશે તો કાર્યવાહી કરાશે. વન વિભાગની તપાસ ટીમ આ બાબતે ખાસ નજર રાખશે અને આવી વસ્તુઓ જપ્ત કરશે. જેથી આ પ્રકારની વસ્તુઓ લઈ જવાનું ટાળવાની સુચના અપાઈ છે.
દુકાનદારો-અન્નક્ષેત્રો પાસે લેખિતમાં લેવાશે બાંહેધરી
લીલી પરમિક્રમામાં આશરે 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ જોડાય છે, ત્યારે તેમની ભોજન-પ્રસાદ માટે પરિક્રમાના માર્ગ પર રાખવામાં આવેલા અન્નક્ષેત્રો પાસેથી પણ પ્લાસ્ટિકનું પ્રદૂષણ નહીં થાય તેવી લેખિતમાં બાંહેધરી લઈને જ પછી મંજૂરી અપાશે. આ સાથે વિવિધ NGO, NSS અને NCCની મદદથી પણ પ્લાસ્ટિકનું પ્રદૂષણ દૂર કરવાની સેવા માટે વન વિભાગ તત્પર છે. આ સાથે એજન્સી દ્વારા પરિક્રમાના રૂટ પર સફાઈનું ધ્યાન રાખવામાં આવશે.
આ પણ વાંચો : 'હવે હું ડાંગ-આહવાનો ઉલ્લેખ કરીને નહીં બોલું', વિવાદ વકરતા રાજભા ગઢવીએ માગી માફી
કલેક્ટરને આવેદનપત્ર આપી સંતોએ કરી માગ
ગિરનારની લીલી પરિક્રમામાં આવતા શ્રદ્ધાળુઓને ધ્યાનમાં રાખીને ગિરનાર મંડળ તેમજ સંતો દ્વારા ખાસ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ ઉપરાંત, લીલી પરિક્રમાને લઈને ઉતારા મંડળ અને તીર્થ ગોર દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને વરસાદ પછી યાત્રા રૂટના રસ્તાને પહોંચેલા નુકસાન સામે રસ્તો સારો કરવા, યાત્રામાં વિધર્મીઓને પ્રવેશ ન આપવા, યાત્રામાં પીવાના પાણી, ટોઈલેટ બ્લોકની વ્યવસ્થા સહિતની માગ કરી છે.
યાત્રા પહેલા વ્યવસ્થા અંગે મળશે બેઠક
આગામી 29 ઑક્ટોબરે કલેક્ટર દ્વારા મિટિંગનું આયોજન કરાયું છે, જેમાં સાધુ-સંતો, પોલીસ સહિત વહીવટી તંત્ર હાજર રહીને શ્રદ્ધાળુઓની સુરક્ષા અને વ્યવસ્થાને પર ચર્ચા કરાશે. સાથે જ યાત્રાને લઈને જે સુચનો કરાયા છે તેને લઈને પણ ચર્ચા કરાશે.