ગિરનારની લીલી પરિક્રમા: સિંહ-દીપડાને પકડવા પહેલીવાર 20થી વધુ પાંજરા ગોઠવાયા
Girnar Lili Parikrama : જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા શરૂ થઈ ગઈ છે, ત્યારે આગામી 15 નવેમ્બર સુધી પિરક્રમા ચાલશે. પરિક્રમામાં લાખોની ભીડ ઉમટતી હોવાથી યાત્રામાં અન્નક્ષેત્રો, હંગામી દવાખાના સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. તેવામાં તંત્ર દ્વારા સૌપ્રથમ વખત સિંહ, દીપડાને પકડવા માટે પરિક્રમાના રૂટ પર 20થી વધુ પાંજરા ગોઠવી દેવાયા છે.
સિંહ-દીપડાને પકડવા પાંજરા મુકાયા
ગત વર્ષે ગિરનાર લીલી પરિક્રમામાં એક બાળકી દિપડાનો ભોગ બની છે, ત્યારે આ વખતે તંત્ર દ્વારા ખાસ આયોજન કરીને પરિક્રમાના રૂટમાં પાંજરા ગોઠવી દેવામાં આવ્યાં છે. આ સાથે ત્યાં રેસ્ક્યુ ટીમ પણ તૈનાત કરાઈ છે. જ્યારે રેસ્ક્યુ માટે સાસણથી સ્પેશિયલ ટીમ બોલાવામાં આવી છે. પરિક્રમા રૂટ પર 300થી વધુ ફોરેસ્ટનો સ્ટાફ અને વોકીટોકી સાથે સ્ટાફ સજ્જ છે.
ફોરેસ્ટ વિભાગના અધિકારીએ શું કહ્યું?
જૂનાગઢ ફોરેસ્ટ વિભાગના અધિકારીએ કહ્યું કે, 'પરિક્રમામાં છ રેસ્ક્યુ ટીમ અને ટ્રેકર ટીમ ચોવિસ કલાક કાર્યરત રહેશે. પરિક્રમા દરમિયાન કોઈ શ્રદ્ધાળુઓને વન્ય પ્રાણીથી નુકસાની ન થાય અને વન્ય પ્રાણીઓનું ધ્યાન રાખવા માટે ફોરેસ્ટનો સ્ટાફ કાર્યરત રહેશે.'