પ્રેમિકાની સગાઇ અન્ય યુવક સાથે થઇ જતા પ્રેમીનો આપઘાત
પ્રેમિકાના પરિવારે લગ્ન કરવાની ના પાડી દેતા યુવક હતાશ થઇ ગયો
વડોદરા,પ્રેમિકાની સગાઇ અન્ય યુવક સાથે પરિવારે કરી દેતા હતાશ થયેલા યુવકે ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,કલાલી ખિસકોલી સર્કલ નજીક વુડાના મકાનમાં રહેતા અને છૂટક કામ કરતા પ્રથમ ઉર્ફે તુષાર રમેશભાઇ ચાવડા ( ઉં.વ.૧૯) એ ગઇકાલે ગળા ફાંસો ખાઇ લીધો હતો. જે અંગે અટલાદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો પ્રકાશમાં આવી છે કે, પ્રથમ ચાવડાને એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો.પરંતુ, યુવતીના પરિવારે લગ્નની ના પાડી તેના લગ્ન અન્ય યુવક સાથે નક્કી કરી હતી. જેથી, હતાશ થઇને યુવકે ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.
જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, મકરંદ દેસાઇ રોડ પર રહેતો ૨૫ વર્ષનો ઉત્સવ અતુલભાઇ પરમાર ખાનગી વેટરનરી હોસ્પિટલમાં હેલ્પર તરીકે કામ કરતો હતો. ગઇકાલે તે નોકરી પર નહી ંજતા ડોક્ટરે તેેને કોલ કર્યો હતો. પરંતુ, તેણે કોલ રિસિવ કર્યો નહતો. જેથી, ડોક્ટરે તેના પરિવારને જાણ કરતા પરિવારે ઘરે જઇને તપાસ કરી તો ઉત્સવે ગળા ફાંસો ખાઇ લીધો હતો. આપઘાતનું કોઇ ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તેણે આર્થિક ભીંસના કારણે આપઘાત કર્યો હોવાની શંકા છે.