તને અને તારા પિતાને પતાવી નાખીશ..મૈત્રી કરાર બાદ પ્રેમીને છોડીને માતા પિતા સાથે રહેતી યુવતીને બ્લેકમેઇલિંગ સાથે ધાક ધમકી
Jamnagar : જામનગરના ગુલાબ નગર નજીક ક્રિષ્ના પાર્ક વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતીને મૈત્રી કરાર કરવા ભારે પડ્યા છે. જામનગર તાલુકાના શાપર ગામમાં રહેતા રાજેશ હાથીયા સાથે અગાઉ મૈત્રી કરાર કર્યા હતા, અને તેણીની સાથે જ રહેતી હતી.
પરંતુ બંને વચ્ચે મન દુઃખ થતાં યુવતી પોતાના પ્રેમીને છોડીને ફરીથી પોતાના માતા-પિતાને ઘેર ગુલાબ નગર વિસ્તારમાં રહેવા આવી ગઈ હતી. જેથી પ્રેમી યુવાન ઉશ્કેરાયો રહ્યો હતો અને પોતાની પૂર્વ પ્રેમિકાને ઈમોશનલ બ્લેકમેઇલિંગ કરીને ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. સાથો સાથ તું પરત નહીં આવે તો હું ઝેરી દવા પીને મરી જઈશ તે રીતે ઇમોશનલ બ્લેકમેઇલિંગ કરવાના પ્રયાસો કર્યા હતા. તેમ છતાં પણ પ્રેમિકાએ તેની સાથે રહેવા જવા માટે સમર્થન નહીં આપતાં પ્રેમી યુવાન વધુ ઉશ્કેરાયો હતો. અને જો તું મારી સાથે મારા ઘરે રહેવા માટે નહીં આવતો હું તને બીજે ક્યાંય પરણવા દઈશ નહીં, ઉપરાંત તને અને તારા પિતાને જીવતા નહીં રહેવા દઉં, અને પતાવી નાખીશ તેવી ધમકી ઉચ્ચારી હતી.
જેથી આખરે આ મામલો પોલીસ મથકમાં લઈ જવાયો હતો. યુવતી દ્વારા જામનગરના સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાના પ્રેમી રાજેશ હાથીયા સામે ધાકધમકી અંગેની ફરિયાદ નોંધાવતાં ગુલાબ નગર પોલીસ ચોકીના પી.એસ.આઇ. ડી.જી.રાજ તેમજ એ.એસ.આઈ. વી.ડી. રાવલીયા વગેરે એ બી.એન.એસ. કલમ 351(2) અને 351(3) મુજબ ગુનો નોંધ્યો છે અને આરોપીની અટકાયત કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.