Get The App

'રામ રાખે તેને કોણ ચાખે': જામનગરમાં આત્મહત્યા કરવા બે-બે વાર તળાવમાં કૂદી, તો પણ જીવ બચી ગયો...

Updated: Feb 18th, 2025


Google NewsGoogle News
'રામ રાખે તેને કોણ ચાખે': જામનગરમાં આત્મહત્યા કરવા બે-બે વાર તળાવમાં કૂદી, તો પણ જીવ બચી ગયો... 1 - image


Jamnagar Ranmal Lake : 'રામ રાખે તેને કોણ ચાખે' તે વાત આજે જામનગરમાં પુરવાર થઈ છે. બે-બે વખત આત્મહત્યા કરવા માટે તળાવમાં જંપલાવી દેનાર યુવતીને આખરે બચાવી લેવાઇ છે. ખોજાનાકા વિસ્તારમાં રહેતી રેશમાબેન સબીરભાઈ નામની 35 વર્ષની યુવતી આજે સવારે 9 વાગ્યાને 50 મિનિટે લાખોટા તળાવના આઠ નંબરના ગેઇટમાંથી પ્રવેશી હતી, અને કોઈ સમજે તે પહેલાં જ તળાવના પાણીમાં ઝંપલાવી દીધું હતું.

જે અંગેની જાણકારી મળતાં સૌપ્રથમ આઠ નંબરના ગેઇટ પર ટિકિટ બારી સંભાળતા દિવ્યાબેન નંદા કે જેઓને તરતાં આવડતું હોવાથી તેઓએ તુરત જ તળાવના પાણીમાં છલાંગ લગાવી દીધી હતી. ક્ષણભરનો વિચાર કર્યા વિના રેશમાબેનને બચાવી લઇને કાંઠે લઈ આવ્યા હતા. યુવતી સાથે વાતચીત કરીને સમજાવી રહ્યા હતા.

જે દરમિયાન ત્યાં હાજર કોઇ વ્યક્તિએ ફાયર બ્રિગેડને ફોન કર્યો હોવાથી ફાયરની ટુકડી પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જેને જોઈને રેશમાબેને ફરીથી છટકી જઈ તળાવમાં ઝંપલાવી દીધું હતું. આથી ફાયર બ્રિગેડની ટીમ તરત જ તળાવમાં કૂદી પડી હતી, અને રેશમાબેનને બીજીવાર બચાવી લઈ સહી સલામત રીતે બહાર કાઢી લીધા હતા.

ત્યારબાદ સીટી એ. ડિવિઝન પોલીસને જાણ કરીને તેઓને હવાલે કરી દીધા હતા. રેશમાબેનને આત્મહત્યાના કારણ અંગે ફાયર બ્રિગેડ તેમજ મહાનગરપાલિકાની ટીમે અનેક પ્રશ્નો કર્યા હતા, પરંતુ તેઓએ આત્મહત્યા કરવા પાછળનું કારણ જણાવ્યું ન હતું.

જો કે સમગ્ર મામલે પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે અને મહિલાને પ્રાથમિક સારવાર સહિતની કાર્યવાહી આગળ ચલાવાઇ રહી છે. આજે મહાનગરપાલિકાની ટિકિટ કેસ કાઉન્ટરની એક મહિલા કર્મચારી તેમજ ફાયર બ્રિગેડની ટુકડીની સમય સૂચકતાને લીધે એક માનવ જિંદગી બચી ગઈ છે.


Google NewsGoogle News