લાલપુરના વડપાંચસરા ગામમાં પ્રેમ લગ્ન કરનાર યુવતીનો માતાના ઠપકા બાદ ઝેરી દવા પી લઇ આપઘાત
Jamnagar Suicide Case : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના વડપાંચસરા ગામમાં રહેતી રવિનાબેન મલાભાઇ સાડમિયાં નામની 19 વર્ષની યુવતીએ પોતાના ઘર પાસે આવેલા વાડામાં જંતુનાશક દવા પી લેતાં તેણીને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પતિ મલાભાઇ રાયમલભાઈએ પોલીસને જાણ કરતાં લાલપુર પોલીસ મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતકે તાજેતરમાં પરિવારની જાણ બહાર મલાભાઈ સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા, તેથી માતાએ ઠપકો આપતાં માઠું લાગવાથી આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.