સોશિયલ મીડિયા પર પરિણીત યુવકના પ્રેમમાં ફસાયેલી યુવતીએ ટોર્ચર કરતા યુવકને પાઠ ભણાવ્યો
વડોદરામાં સોશિયલ મીડિયા પર એક પરિણીત યુવકના ચક્કરમાં ફસાઈને પરેશાન થઈ ગયેલી યુવતીએ આખરે બીજો નહીં છોડતા અને બીજે લગ્ન નહીં કરવા દેતા યુવકને પાઠ ભણાવતા તેણે લેખિતમાં માફી માગી હતી.
સેવાસી વિસ્તારમાં રહેતી અને પ્રાઇવેટ જોબ કરતી યુવતી ને થોડા સમય પહેલાં ઈન્સ્ટાગ્રામ પર હાય..નો મેસેજ આવતા તેણે કોઈ રિસ્પોન્સ આપ્યો નહોતો. ત્યારબાદ ફરીથી યુવકે તેને મેસેજ કરતા યુવતીએ જવાબ આપ્યો હતો અને બંને વચ્ચે વાતચીત થઈ હતી.
યુવક અને યુવતી વચ્ચે ફ્રેન્ડશીપ થયા બાદ યુવકે પોતે પરણિત હોવાનું જણાવ્યું હતું અને પત્ની થી કંટાળી ગયો હોવાથી છૂટાછેડા લઈ યુવતી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. યુવતીએ તેના બીજે લગ્ન નક્કી થવાના છે તેમ કહ્યું હતું પરંતુ યુવકે તેને માતાજીના સોગંદ આપી કહ્યું હતું કે તું મને બહુ જ પસંદ છે અને લગ્ન કરવા છે..જેથી બંને જણા છ મહિના સુધી રિલેશનમાં રહ્યા હતા.
તો બીજી તરફ યુવકના પરિચિતો દ્વારા યુવતીને રિલેશન નહીં રાખો અને તેનો સંસાર નહીં બગાડવા કહેવામાં આવતું હતું. યુવક ની પત્ની પ્રેગનેન્ટ હોવાની પણ તેમને જાણ કરતા યુવતી ચોંકી હતી. તેણે સબંધ નહીં રાખવા અને બીજે સગાઈ નક્કી કરવાની તૈયારી કરી હતી. આમ છતાં તેને પજવણી ચાલુ રહેતા આખરે યુવતીની માતાએ અભયમની મદદ લીધી હતી. અભયમની ટીમે યુવકને સમજાવતા તેણે લેખિતમાં માફી માગી હેરાનગતી નહીં કરે તેવી બાંયધરી આપી હતી.