જાણો ગુજરાત ક્વીન ટ્રેનમાંથી મળી આવેલા યુવતીના મૃતદેહ અંગેનો સમગ્ર કેસ
- યુવતીએ તેના મોબાઈલથી OASIS સંસ્થાને કોઈ તેનો પીછો કરી રહ્યો હોવાનો મેસેજ સોશિયલ મીડિયા પર કર્યો હતો
વલસાડ રેલવે સ્ટેશન પર ગુજરાત કવીન ટ્રેનમાં સફાઈ કામદારે D-12 કોચમાં એક અજાણી યુવતીને ફાંસો ખાધેલી હાલતમાં જોઈ હતી. યુવતી પાસેથી રેલવેની ટિકિટ કે કંઈ મળ્યું નહોતું. પોલીસે FSLની ટીમની મદદ મેળવી આગળની તપાસ હાથ ધરી છે. યુવતી પાસે મળેલા ફોન પરથી યુવતીની ઓળખ થઈ હતી. ત્યાર બાદ પરિવારને બોલાવી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ બનાવ અંગે જી.આર.પી પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ, નવસારીમાં રહેતી 18 વર્ષીય યુવતી વડોદરામાં પ્રથમ વર્ષમાં કોલેજ કરતી હતી અને સાથે એક સામાજિક સંસ્થામાં ફેલોશિપ કરતી હતી. તે થોડા દિવસ અગાઉ વડોદરાથી નવસારી તેના ઘરે રહેવા માટે આવી હતી. તેણે તેની માતાને સંસ્થાના કામ અર્થે મરોલી ખાતે રહેતા એક શિક્ષકને મળવા જવાનું જણાવી ઘરેથી નીકળી હતી.
તેણે એક દિવસ ત્યાં રોકાયા બાદ પરત આવી જવાનું કહ્યું હતું અને બીજા દિવસે યુવતીએ ગુજરાત કવીન ટ્રેનના D-12 નંબરના કોચમાં સમાન મૂકવાની જગ્યાએ દુપટ્ટાથી ગળાફાંસો ખાઈ લીધો હતો. ગુજરાત કવીન મોડી રાત્રે 12:30 વાગ્યાના સુમારે આવી હોવાથી ટ્રેન રાત્રે વલસાડ રેલવે ટેશન પર ખાલી થઇ ગઈ હતી ત્યાર બાદ ટ્રેનમાં સફાઈ કરવા માટે ગયેલા સફાઈ કામદારોએ યુવતીને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોતાં તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. જી.આર.પી. પોલીસ મથકના પી. એસ. આઈ જે. વી. વ્યાસ અને તેમની ટીમ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતી અને એફએસએલને બોલાવી આગળની તપાસ શરૂ કરી હતી.
યુવતી ભણવામાં ખૂબ જ હોશિયાર હતી:
પિતા આ બનાવમાં યુવતીના પિતાના જણવ્યાં મુજબ, યુવતી ભણવામાં ખૂબ જ હોશિયાર હતી અને ધોરણ 10માં હતી ત્યારે જિલ્લામાં તે પ્રથમ ક્રમે પાસ થઇ હતી. જે સંસ્થામાં માટે કામ કરતી હતી એમાં આત્મહત્યાનો પ્રયત્ન કરનારા લોકો અને વિદ્યાર્થીઓને ખોટાં પગલાં નહીં ભરવા અને આત્મહત્યા નહિ કરવા માટે જાગ્રત કરવામાં આવે છે અને આજે દિકરીએ આવું પગલું ભરી લેતાં તેના પિતા ભારે આઘાતમાં મુકાયા છે.
યુવતીએ તેના મોબાઈલથી OASIS સંસ્થાને કોઈ તેનો પીછો કરી રહ્યો હોવાનો મેસેજ સોશિયલ મીડિયા પર કર્યો હતો. સંસ્થાના આગેવાનોએ સવારે મોડો મેસેજ રીડ કર્યો હતો. યુવતીનો કોણ પીછો કરતું હતું, કયા કારણોથી પીછો કરતું હતું એ તમામ બાબત રહસ્ય રહી.