યુવતીએ પ્રેમ સંબંધ તોડી નાખતા અંગત પળોના ફોટા વાયરલ કરવાની ધમકી
- જામનગરના શખ્સે પોત પ્રકાશ્યું
- યુવતીના પિતા તથા ભાઇને પણ એટ્રોસિટીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી કાર પડાવી લીધી
જામનગર : જામનગરમાં રહેતા શખ્સે યુવતી કે જેને પ્રેમ જાળમાં ફસાવી હતી. બાદમાં યુવતીએ પ્રેમ સંબંધ તોડી નાખતા અંગત પળોનો ફોટા વાયરલ કરવાની તથા યુવતીના પિતાઅને ભાઇને પણ ધમકી આપી કાર પડાવી લીધા ની ફરિયાદ સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાતાં ચકચાર જાગી છે.
જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા કાલિદાસ કમલભાઈ વાઘેલા નામના શખ્સને લોન મેળવવાના બહાને સંપર્કમાં આવેલી યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જે દરમિયાન તેણે કેટલાક મોબાઈલ ફોનમાં અંગત પળોના ફોટા પણ પાસે લીધા હોવાનું જાણવા મળ્યું હતું.
જે સમયગાળા દરમિયાન કાલિદાસ વાઘેલાના પરિચયથી એક કારની યુવતીના ભાઈ અને પિતાએ ખરીદ કરી હતી. અને પિતાના નામે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. યુવતી સંબંધ રાખવા માગતી ન હોવાથી તેણે પ્રેમસંબંધ તોડી નાખતાં કાલિદાસ ઉશ્કેરાયો હતો.
તેણે યુવતીના ભાઈને ધાક ધમકી આપી હતી અને મેં અપાવી દીધેલી કાર મને પાછી આપી દેજો નહીં તો હું તમારી બેનના અંગત ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશ. ઉપરાંત એસ્ટ્રોસિટીના કેસમાં તમને અને તમારા પિતાને ફસાવી દઈશ તેવી પણ ધમકી ઉચ્ચારી હતી. જેથી ડરના માર્યા કાર કાલિદાસને આપી દીધી હતી.પરંતુ આખરે હિંમત કરીને સમગ્ર મામલે યુવતીના ભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે કાલિદાસ વાઘેલા સામે ગુનો નોંધ્યો છે. અને વધુ તપાસ હાથ ધરી છે.