લેબ ટેકનિશિયનનો અભ્યાસ કરતી સગીરાએ બાળકને જન્મ આપ્યો
બાળક અને માતાને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા
વડોદરા,મહીસાગર જિલ્લાના એક ગામમાં રહેતી ૧૭ વર્ષની કિશોરીએ વડોદરાની હોસ્ટેલમાં બાળકને જન્મ આપતા ચકચાર મચી ગઇ છે. માતા અને બાળકને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.જ્યાં બંનેની હાલત સારી છે.
મહીસાગર જિલ્લાના એક ગામની ૧૭ વર્ષની કિશોરીએ ધોરણ-૧૨ સુધીના અભ્યાસ કર્યા પછી વડોદરાના તરસાલી વિસ્તારની એક હોસ્ટેલમાં રહીને લેબ ટેકનિશિયનનો અભ્યાસ કરતી હતી. શનિવારે રાતે કિશોરીએ હોસ્ટેલના શૌચાલયમાં એક બાળકને જન્મ આપ્યો હતો. આ અંગે હોસ્ટેલની અન્ય વિદ્યાથનીઓએ હોસ્ટેલની વોર્ડનને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા. વોર્ડને સગીરા અને તેના બાળકને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. બનાવ અંગે એવી માહિતી મળી છે કે, મહીસાગર જિલ્લાના એક ગામના સગીર સાથે કિશોરીને પ્રેમ સંબંધ હતો અને આ બાળકનો પિતા સગીર પ્રેમી જ છે. જોકે, આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વધુમાં, એવી પણ વિગતો મળી છે કે, કિશોરીએ બાળકનુંગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ અંગે પોલીસ તપાસ કરી રહી છે.