Get The App

વાંકાનેરના દીધલીયા ગામે તરૂણીની માતા-પિતા તથા બહેન દ્વારા હત્યા

Updated: Mar 28th, 2024


Google NewsGoogle News
વાંકાનેરના દીધલીયા ગામે તરૂણીની માતા-પિતા તથા બહેન દ્વારા હત્યા 1 - image


તરૂણીને મોટી બહેનના નણંદોયા સાથે પ્રેમ સંબંધ હોઇ સમજાવવા છતાં ન માનતા કાસળ કાઢી નાખ્યું કૌટુંબિક સગાને મૃતકના ગળા ઉપર નિશાન દેખાતા મામલો સામે આવ્યો : ઓશિકાનો ડૂમો આપી મારી નાખી બનાવ હાર્ટ એટેકમાં ખપાવ્યો 

મોરબી, : વાંકાનેરના દિઘલીયા ગામે રહેતા પરિવારની સગીર વયની દીકરીને મોટી બહેનના નણંદોયા સાથે પ્રેમ સંબંધ હોઇતેની સાથે વાત કરીને સંબંધ રાખવાની ના પાડી હોવા છતાં તરૂણી તેની સાથે ફોન પર વાત કરતી પકડાઈ જતા માતા-પિતા અને બહેને તરૂણીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.અને હત્યા કર્યા બાદ સગા-સંબંધીઓ સામે હાર્ટ એટેકથી મોત થયાનું તરકટ રચ્યું હતું. બનાવ મામલે મૃતકના સગાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી માતાપિતા અને બહેન વિરૂદ્ધ હત્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે.

દિઘલીયા ગામે રહેતા દિનેશભાઈ ગૌરીદાસ ગોંડલીયાએ આરોપી મહેશ રવિરામભાઈ ગોંડલીયા, સુરેખાબેન મહેશભાઈ ગોંડલીયા અને હિરલબેન મહેશભાઈ ગોંડલીયા વિરૂદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તા. 26ના રોજ સવારે દિનેશભાઈ પોતાના ઘરે હાજર હોય ત્યારે પાડોશમાં રહેતા કુટુંબી મહેશભાઈ ગોંડલીયાના ઘરમાં રડવાનો અવાજ આવતા ઘરે જઈને જોતા દીકરી રીન્કલ ખાટલા પર સુતી હતી. જેનું શરીર ઠંડુ પડી ગયું હતું. જે અંગે પૂછતાં મહેશભાઈના પત્નીએ હાર્ટ એટેક આવતા મોત થયાનું જણાવ્યું હતું. પરંતુ ગળાના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા હતા. જેથી પીએમ અર્થે વાંકાનેર સરકારી દવાખાને લઇ ગયા હતા. અને બાદમાં શંકા જતા રાજકોટ પીએમ કરાવવાનું કહેતા રાજકોટ પીએમ માટે મૃતદેહ ખસેડયો હતો.

બાદમાં રીન્કલની અંતિમવિધિ કરી સવારે ફરિયાદી, કલ્પેશભાઈ અને અન્ય સંબંધી ઘરે હોય અને મહેશભાઈ અને તેના પત્ની સુરેખાબેનને પૂછતાં એકદમ ગભરાઈ ગયા હતા. અને કહ્યું કે ભૂલ થઇ ગઈ છે હવે દુખ થાય છે ગત તા. 25 માર્ચના રાત્રીના બધા સુતા હતા. નાની દીકરી સપના અને પુર્વીસા બધા એક રૂમમાં સુતા હોય ત્યારે તેમના પત્ની સુરેખાબેનને ખબર પડી કે દીકરી રીન્કલને ના પાડી હોવા છતાં મોટી દીકરી હિરલના નણંદોયા રાહુલ મુકેશ કાપડીયા (રહે. બામણબોર તા. રાજકોટ) સાથે ફોનમાં વાત કરે છે. રીન્કલને અવારનવાર સમજાવવા છતાં સમજતી ના હોય જેથી સુરેખાબેને ફોન લઇ લીધો ને સીમ કાર્ડ કાઢીને ચાવીને ફેંકી દીધું હતું. રીન્કલને કહ્યું હતું કે, તારી સગાઇ થઇ ગઈ છે. તેને અગાઉ પણ ના પાડી છે છતાં રાહુલ સાથે ફોનમાં વાત કરે છે.

તારા અને રાહુલના પ્રેમ સંબંધને કારણે તારી મોટી બહેન હિરલની નણંદના રાહુલ સાથ્ છુટાછેડા થઇ ગયા છતાં તું તેની સાથે પ્રેમ સંબંધ રાખ તો તારી બહેન હિરલનું ઘર પણ નહિં ચાલે ત્યારે રીન્કલે જે કરવું હોય તે કરો હું રાહુલ સાથે વાત કરીશ મારી નાખવી હોય તો મારી નાખો એમ કહેતા એકદમ ગુસ્સો આવતા પત્ની સુરેખાએ પતિને કહ્યું રીન્કલને બહુ સમજાવી તે સમજતી જ નથી જો તે એમ જ કરશે તો કોઈને મોઢું દેખાડી શકશું નહિં અને હિરલનું ઘર પણ તૂટી જશે. જેથી મોડી રાત્રીના પોણા ત્રણેક વાગ્યે સુરેખાએ પતિને કહ્યું તમે રીન્કલના પગ પકડી રાખો અને દીકરી હિરલને કહ્યું તું હાથ પકડી રાખ અને બાદમાં પત્ની સુરેખાએ રીન્કલના મોઢા પર જોરથી ઓશીકું દબાવી રાખી ગળું દબાવી હત્યા કરી નાખી હતી. વાંકાનેર તાલુકા પોલીસે આરોપી માતા-પિતા અને બહેન વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે.


Google NewsGoogle News