સુરત પાલિકાની ભૂલ બાળકીને ભરખી ગઈ... રમી રહેલી બે બહેનો પર ગટરનું ઢાંકણું પડતાં એકનું મોત
Surat Municipal Corporation : સુરત મહાનગર પાલિકાની લાલિયાવાડી તો જગજાહેર છે. સુરત મહાનગરપાલિકાની 'નમૂના' રૂપ કામગીરીના અનેક કિસ્સાઓ જોવા મળે છે. ત્યારે ડિંડોલીમાં રમી રહેલી બાળકી પર ગટરનું ઢાંકણું પડતાં મોત નીપજ્યું છે. આ ઘટના બાદ સ્થાનિક રહીશો ભારે રોષ જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલાં પણ સુરતના સચીન વિસ્તારમાં 2 વર્ષીય બાળક બોલ રમતા રમતા ગટરની ખાડીમાં પડી જતાં મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના ડિંડોલીના ચેતન નગર વિસ્તારમાં ચોમાસું પુરૂ થતાં ગટર લાઇનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ કામગીરી દરમિયાન ગટર ઢાંકણા ખુલ્લાઓ રાખવામાં આવ્યા હતા અને પાલિકાની આ લાલયાવાડીએ બાળકીનો ભોગ લીધો છે. બે બહેનો રમી રહી હતી ત્યારે રમતાં રમતાં બે બહેનો પર ગટરનું ઢાંકણું પડ્યું હતું. જેમાં બે વર્ષની બાળકી બચી ગઇ હતી પરંતુ પાંચ વર્ષની ભાગ્યશ્રીને માથાના ભાગે ગટરનું ઢાંકણું વાગી જતાં મોત નિપજ્યું હતું.
ઘટનાની જાણ થતા જ બાળકીને તાત્કાલિક ધોરણે પરિવાર દ્વારા ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ત્યારબાદ બાળકીને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી જ્યાં હાજર તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી. હાલ ડીંડોલી પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઓટોરિક્ષા ચલાવીને પોતાનું ગુજારાન ચલાવનાર બાપની આજે એક દીકરી સુરત મહાનગરપાલિકા ની ગંભીર બેદરકારીના કારણે ગુમાવી છે.