આણંદમાં છઠ્ઠા માળેથી પડતું મૂકી યુવતીએ આપઘાત કર્યો
- આકાર સિટી સેન્ટર કોમ્પ્લેક્સનો બનાવ
- સર્વેયરની નોકરી કરતી પરિણીતાની આત્મહત્યા પાછળનું કારણ અકબંધ : પોલીસે તપાસ હાથ ધરી
આણંદમાં આકાર સિટી સેન્ટર કોમ્પ્લેક્સ નજીકના પાર્કિંગમાંથી ગુરૂવારે રાત્રે એક યુવતીની લાશ મળી આવી હતી. આ અંગે સ્થાનિકોએ ૧૦૮ને જાણ કરતા ૧૦૮ની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ યુવતીના મૃતદેહને આણંદની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં આણંદ શહેર પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
પોલીસે તપાસ હાથ ધરતા કોમ્પ્લેક્સના છઠ્ઠા માળેથી એક બેગ અને યુવતીના ચપ્પલ મળી આવ્યા હતા.
મૃતક યુવતીનું નામ વિધિ હોવાનું તથા તે આણંદમાં રહેતી હોવાનું અને ત્રણેક વર્ષ પહેલા અમિત ઠાકોર (રહે. સામરખા) સાથે પ્રેમલગ્ન કર્યાં હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું. યુવતી આણંદની એક ખાનગી પેઢીમાં સર્વેયર તરીકે તથા તેનો પતિ એક પિઝા કંપનીમાં કામ કરતો હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ છે. યુવતીએ કોમ્પ્લેક્સ ખાતે આવી, છઠ્ઠા માળેથી પડતું મૂકી આત્મહત્યા કેમ કરી તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.