ATMમાંથી રૃપિયા ના નીકળે તો ચેતવું..મશીનમાં પટ્ટી મૂકી દઇ ગ્રાહકના રૃપિયા કાઢી લેનાર સુરતની યુવતી પકડાઇ
વડોદરાઃ એટીએમમાંથી રૃપિયા ઉપાડવા જતા ગ્રાહકો માટે ચેતવા જેવો કિસ્સો શહેરના વારસિયા રિંગરોડ પર બન્યો છે.જેમાં ક્રાઇમ બ્રાન્ચે સુરતની એક યુવતીને ઝડપી પાડી છે.
તરસાલીમાં રહેતા અને એટીએમના મેન્ટેનન્સનું કામ કરતા સુરેશભાઇ રાઠવા ઉપર કેમેરાનું મોનિટરિંગ કરતી એજન્સીએ ગઇ તા.૨૯મીએ ફોન કરી વારસિયા રિંગરોડ પર પેટ્રોલપંપ પાસે એક્સિસ બેન્કના એટીએમમાં એક ગ્રાહકે રૃ.૧૦૦૦ ઉપાડવા છતાં નહિ મળ્યા હોવાની અને એટીએમ સાથે છેડછાડ થઇ રહી હોવાની જાણ કરતાં તેમણે ફરિયાદ કરી હતી.
તપાસ દરમિયાન ગ્રાહક રૃપિયા ઉપાડવા જાય તે પહેલાં એક યુવક કેશ નીકળે તે ભાગે ડિસ્પેન્સરમાં પટ્ટી ફિટ કરતો જોવા મળ્યો હતો.જ્યારે ગ્રાહકના ગયા પછી યુવતી પટ્ટી કાઢીને રૃપિયા ઉપાડી લેતી હોવાની વિગતો જણાઇ હતી.જેથી ક્રાઇમ બ્રાન્ચે સુરતની પાયલ ને આજવારોડ પરથી ઝડપી પાડી તેની સાથે આવેલા ગૌરવ પટેલની તપાસ હાથ ધરી છે.