Get The App

સુરતમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મનો કેસઃ AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગૃહ રાજ્યમંત્રીનુ રાજીનામું માંગ્યુ

બાળકીના ખબરઅંતર જોવા AAPના ધારાસભ્ય ચૈતર વસાવા સુરત સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતાં

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પોતાના હોમટાઉનમાં આવી ઘટનાઓ રોકી શકતા નથી તેમને શરમ આવવી જોઈએઃ ચૈતર વસાવા

Updated: Jun 27th, 2023


Google NewsGoogle News
સુરતમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મનો કેસઃ AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગૃહ રાજ્યમંત્રીનુ રાજીનામું માંગ્યુ 1 - image



સુરતઃ શહેરના ઈચ્છાપોર વિસ્તારમાં બાંધકામ સાઈટ પર આદિવાસી બાળકી પર દુષ્કર્મનો કેસ સામે આવ્યો હતો. ચાર વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજાર્યા બાદ સિવિલ હોસ્પિટલમાં તેને સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સુરતની સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતાં. તેમણે હોસ્પિટલમાં મીડિયાને જણાવ્યું હતું કે, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને શરમ આવવી જોઈએ, પોતાના જ વિસ્તારમાં આવી ઘટનાઓને રોકી શકતાં નથી. તેમણે હવે રાજીનામું આપી દેવું જોઈએ.  

બાળકીના પરિજનો સાથે વાતચીત કરી
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં બાંધકામ સાઈટ પર ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયું હતું. ત્યાર બાદ તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાળકીને જ્યારે હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યારે તે લોહીલુહાણ હતી અને તેની સ્થિતિ ખૂબજ નાજુક હતી. ડોક્ટરોએ સારવાર દરમિયાન તાત્કાલિક બે ઓપરેશન કર્યાં હતાં. ત્યાર બાદ હાલમાં આ બાળકીની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આ બાળકીની તબિયત જોવા હોસ્પિટલ આવ્યા હતાં. તેમણે બાળકીના પરિજનો સાથે વાતચીત કરી હતી અને ડોક્ટરો પાસેથી બાળકીની સ્થિતિને લઈને માહિતી મેળવી હતી. 

આવી ઘટનાઓને સરકારે ગંભીરતાથી લેવી જોઈએ
ચૈતર વસાવાએ પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે, આદીવાસી દીકરીઓ પર આ પ્રકારની ઘટનાઓ સુરતમાં બનતી રહે છે. આવી ઘટનાઓને સરકારે ગંભીરતાથી લેવી જોઈએ. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પોતાના હોમટાઉનમાં આ પ્રકારની ઘટનાઓને રોકી શકતા નથી તેમને શરમ આવવી જોઈએ. હર્ષ સંઘવીએ તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ. આ કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવી પરિવારને ઝડપથી ન્યાય આપવામાં આવે. આદિવાસીઓનું ટ્રાયબલનું જે બજેટ છે એમાં સરકારે આદિવાસીઓ માટે અહીં કામ કરવા આવનારાને વ્યવસ્થા આપવી જોઈએ. આ લોકો માટે રેનબસેરાની વ્યવસ્થા કરવી જોઈએ જેથી તેઓ સુરક્ષિત રીતે રહી શકે.



Google NewsGoogle News