ગુજરાતમાં વધુ એક ચોંકાવનારી ઘટના, 6 વર્ષની બાળકીનો મૃતદેહ ભેદી સંજોગોમાં મળી આવ્યો, CCTV ફૂટેજ આવ્યા સામે
- સોમવારે બાળકી નજીકમાં આવેલા પિતાના ભંગારના ગોડાઉન પર જવા નીકળ્યા બાદ ગાયબ : કેમેરામાં એક શખ્સ બાળકીને લઇ જતા કેદ થયો
વાપી, તા. 24 ઓક્ટોબર 2023, મંગળવાર
વાપીના ડુંગરી ગામે ડુંગરી ફળિયામાં દમણગંગા નદી કિનારેથી 6 વર્ષિય મુસ્લિમ બાળકીની ભેદી સંજોગોમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. બાળકી ઘરેથી પિતાના ગોડાઉન પર જવા નિકળ્યા બાદ ગાયબ થઇ ગઇ હતી. કેમેરામાં એક શખ્સ બાળકીનો હાથ પકડી લઇ જતો કેદ થયો હતો. ફુટેજના આધારે પોલીસે સઘન તપાસ આદરી છે.
પ્રાપ્ત માહિતિ અનુસાર વાપીના ડુંગરી ફળિયામાં આઝાદનગરમાં એક મુસ્લિમ પરિવાર રહે છે. પરિવારની છ વર્ષિય શબાના (નામ બદલ્યું છે) ગઇકાલે ઘરેથી નજીકમાં આવેલા પિતાના ભંગારના ગોડાઉન પર જવા નિકળી હતી. લાંબા સમય બાદ બાળકી પરત ઘરે નહી પહોંચતા ચિંતા વધી ગઇ હતી. પિતાને પણ જાણ કરાયા બાદ શબાનાની શોધખોળ શરૂ કરી હતી. પોલીસને પણ આ અંગે જાણ કરાઇ હતી.
માસૂમ બાળકીનું અપહરણ કરાતા પોલીસ પણ ગંભીર બની શોધખોળ શરૂ કરી હતી. તે દરમિયાન દમણગંગા નદી કિનારેથી બાળકીની ભેદી સંજોગોમાં લાશ મળી આવતા પરિવારમાં માતમ છવાય ગયો હતો. ઘટનાને લઇ ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો દોડી ગયો હતો. પલીસે લાશનો કબ્જો લઇ સુરત એફએસએલમાં પી.એમ. માટે મોકલી દીધી હતી. બાળકીની હત્યા કેવી રીતે કરાઇ અને બળાત્કાર કરાયો કે કેમ તે અંગે રિપોર્ટ આવ્યા બાદ કારણ બહાર આવી શકશે. પોલીસે કેમેરામાં ચકાસણી કરતા એક શખ્સ બાળકીનો હાથ પકડી રોડ પરથી લઇ જતા કેદ થયો હતો. પોલીસે ફૂટેજના આધારે આરોપી સુધી પહોંચવા તજવીજ આદરી છે.