ફેસબુક પર ફેક એકાઉન્ટ બનાવી જમીન દલાલ પાસેથી યુવતી અને તેના સાગરીતોએ દોઢ લાખ પડાવી લીધા
Vadodara Honey Trap : ફેસબુક પર લેન્ડ બ્રોકરનો સંપર્ક કરી યુવતીએ મકાનના કામ માટે મળવા માટે બોલાવ્યો હતો. ત્યારબાદ યુવતીના સાગરીતોએ ક્રાઈમ બ્રાન્ચ ગાંધીનગરમાંથી આવ્યા હોવાનું જણાવી બ્રોકરને ધમકાવી રૂપિયા પડાવી લીધા હતા.
આણંદ જિલ્લાના નાપાડ તાલુકાના તળપદ ગામે રહેતા અને જમીન મકાન લે-વેચનો ધંધો કરતા જયકુમાર મુકેશકુમાર પટેલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત 24મી ડિસેમ્બરે મારા ફેસબુક પર જીયા પટેલના પ્રોફાઈલ પરથી HI નો મેસેજ આવ્યો હતો. ત્યારબાદ તેણે મને કહ્યું હતું કે પ્રોપર્ટી માટે એકવાર મળવું છે ત્યારબાદ અમારા વચ્ચે મેસેજની આપ લે થતી હતી. ગત 26મી તારીખે બપોરે 1:30 વાગ્યાની આસપાસ જીયાનો ફોન આવતા આજવા ચોકડી પાસે મને બોલાવતા હું ગયો હતો. જીયાએ મને કહ્યું હતું કે થોડી આગળ જઈને મને ઉતારી દો તેથી હું મારી ગાડીમાં તેને બેસાડીને થોડે આગળ ગયો હતો. ત્યારબાદ જીયાએ મને કહ્યું કે મને જ્યાંથી બેસાડી હતી ત્યાં ફરી ઉતારી દો, જેથી હું આજવા ચોકડી સમૃદ્ધિ સોસાયટીના ગેટ પાસે ગયો હતો. તે દરમિયાન ત્રણ વ્યક્તિઓ આવ્યા હતા અને મને કહ્યું હતું કે અમે ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચમાંથી આવીએ છીએ તમે ખોટા ફેસબુક આઇડી બનાવી માસુમ છોકરીઓને ફસાવવાનો ધંધો કરો છો તેમ કહી મને ડ્રાઇવર સીટથી નીચે ઉતારી પાસેની સીટ પર બેસાડી દીધો હતો અને તેઓ કાર સિકંદરપુરા ગામ તરફ લઈ ગયા હતા. તેઓએ મને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપે મને ડરાવી મારી પાસેથી સોનાની વીંટી તથા રોકડા મળી 1.45 લાખ રૂપિયા પડાવી લીધા હતા અને ત્યારબાદ મને ધમકી આપી હતી કે પોલીસમાં ફરિયાદ કરે તો જાનથી મારી નાખીશ.