ગાંધીના ગુજરાતની ગિફ્ટ સિટીમાં ગોવાની જેમ 'ડ્રગ્સ પાર્ટી', શું સરકાર દ્વારા પાછલા બારણે પ્રોત્સાહન?

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
Techno Party in gift city


Gift city: ગાંધીના ગુજરાતમાં રોકાણના બહાને ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ અપાઈ છે. અત્યાર સુધી વિદેશી દારૂની મહેફિલો જામતી હતી પણ હવે પાટનગર એક ડગલું આગળ વધ્યુ છે. ગિફ્ટ સિટીમાં હવે ગોવાની જેમ ટેકનો (ડ્રગ્સ) પાર્ટી પણ યોજાવવા માંડી છે. આ કારણોસર ગુજરાતી યુવાઓ માટે ગિફ્ટ સિટી હોટ સ્પોટ બની રહ્યુ છે. 

યુવાઓ ડ્રગ્સના રવાડે ચડ્યાં છે

એક તરફ, ગુજરાતને ડ્રગ્સ મુકત બનાવવાની ડીગો હાંકવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ, ગિફ્ટ સિટીમાં યુવાઓ મધરાતે ડ્રગ્સનો નશો માણી પાર્ટીમાં છાક્ટા બનીને ડાન્સની મોજ માણી રહ્યા છે. સરકારના પાછલા બારણે પ્રોત્સાહનને કારણે યુવાઓ ડ્રગ્સના રવાડે ચડ્યાં છે પરિણામે વાલીઓ ચિતિત બન્યા છે.

ગાંધીનુ ગુજરાત ગોવા બનવા તરફ આગળ વધી રહ્યુ છે

ગુજરાતમાં મોટું રોકાણ આવે તેવા બહાના હેઠળ સરકારે જ ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપી છે જેના પગલે ગિફ્ટ સિટી કલબમાં મેમ્બરશીપ વધી રહી છે. ગિફ્ટ સિટીમાં નોકરી કરવામાં પણ યુવાઓ રસ દાખવી રહ્યા છે. અત્યાર સુધી દારૂની મહેફિલો જામતી હતી. પણ હવે ગાંધીનુ ગુજરાત ગોવા બનવા તરફ આગળ વધી રહ્યુ છે. જાણવા મળ્યુંકે, ગત તા. 20-21મી જુલાઈના રોજ ગિફ્ટસિટીમાં 'નાઈટવેવ' નું આયોજન કરાયુ હતું. ડીજેના તાલે ડીમલાઈટ માહોલમાં યુવક-યુવતીઓ મસ્ત થઈને ઝૂમ્યા હતા.

યુવાઓ નશો માણીને છાકટાં બન્યા હતા

ગિફ્ટસિટીમાં દારૂની છુટ અપાઈ છે પણ ડ્રગ્સની છૂટ ક્યાં અપાઈ છે તેવા સવાલ ઊઠ્યાં છે. દારૂની છૂટ બાદ યુવાઓને ડ્રગ્સના રવાડે ચડાવવા માટે ટેકનો પાર્ટીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સામાન્યરીતે ટેકનો પાર્ટી ગોવાની આગવી ઓળખ છે, જેમાં યુવાનો ડ્રગ્સનો નશો માણીને મજા લેતા હોય છે. કંઈક આ જ થીમ પર આયોજિત આ ટેકનો પાર્ટી યોજાઈ હતી. મધરાત સુધી પાર્ટીમાં નશો માણીને યુવાઓ રીતસર છાકટાં બન્યા હતા. પાર્ટીની થીમ-સ્ટાઈલ જોઈને એવો પ્રશ્ન ઉઠ્યો કે, શું આ ગાંધીનું ગુજરાત છે. શું પોલીસને આ વિશે ખબર નહી હોય? 

આ પણ વાંચો: ગાંધીનગરના મગોડીમાં દહેગામવાળી! ભૂમાફિયાઓએ 40 મકાનો વેચી માર્યા, હવે તપાસના ધમધમાટ

ગિફ્ટ સિટીમાં ટેકનો પાર્ટી પર પ્રતિબંધ મૂકવો જોઈએ

આ ઘટનાની જાણ થતાં વાલીઓ ચિંતિત થયાં છે કેમ કે, જો આ જ પરિસ્થિતી રહી તો, ગુજરાત તેની આગવી ઓળખ ગુમાવી દેશે. સાથે સાથે આ ટેકનો પાર્ટી થકી ગુજરાતના યુવાઓ ડ્રગ્સના રવાડે ચડી જશે. રાજકીય પક્ષોએ પણ આરોપ મૂક્યો છે કે, ગિફ્ટ સિટીમાં ટેકનો પાર્ટીના નામે ડ્રગ્સ પાર્ટી યોજવામાં આવી હતી. આવી પાર્ટીમાં યુવાઓ ડ્રગ્સ-ગાંજાનું સેવન કરે છે. આ જોતાં ગિફ્ટ સિટીમાં આવી ટેકને પાર્ટી પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

ગાંધીના ગુજરાતની ગિફ્ટ સિટીમાં ગોવાની જેમ 'ડ્રગ્સ પાર્ટી', શું સરકાર દ્વારા પાછલા બારણે પ્રોત્સાહન? 2 - image


Google NewsGoogle News