ઘોઘારોડ પોલીસે 3 સ્થળેથી દારૂ- બિયર ઝડપ્યા : 2 મહિલા સહિત 3 ફરાર
- ભાવનગર અને રાણપુર પોલીસના દરોડા
- રાણપુર પોલીસે સાળંગપુર રોડ પરથી દારૂની એક બોટલ સાથે શખ્સને ઝડપી પાડયો, બોટાલ આપનારનું નામ ખુલ્યું
બનાવની વિગત એવી છે કે, ભાવનગરના ઘોઘા રોડ પોલીસે બાતમીના આધારે શહેરના તિલકનગર નજીક આવેલાં આડોડીયાવાસમાં રહેતી જયશ્રીબેન રાજુભાઈ પરમારના રહેણાંકના મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની ચાર બોટલ ઝડપી લીધી હતી જ્યારે મહિલા ફરાર થઈ ગઈ હતી. તે જ રીતે, આડોડીયાવાસમાં રહેતી નીમાબેન બટુકભાઈ પરમારના રહેણાંકી મકાનમાં દરોડો પાડી ઘોઘારોડ પોલીસે વિદેશી દારૂની ત્રણ બોટલ ઝડપી લીધી હતી.જ્યારે આ કિસ્સામાં પણ મહિલા પોલીસને હાથ તાળી આપી નાસી છૂટી હતી.ઉપરાંત, ઘોઘારોડ પોલીસે શહેરના ખેડૂતવાસ હનુમાનજી મંદિરના ઓટલા પાસે રહેતો વિક્રમ ઉર્ફે વિકો ધમાંભાઇ રાઠોડના મકાન પર દરોડો પાડી બિયરના ૧૯ ટીન ઝડપી પાડયા હતા. જ્યારે જથ્થો રાખનાર શખ્સ પોલીસને હાથ તાળી આપી નાસી છૂટયો હતો.ઉપરાંત,બોટાદના રાણપુર પોલીસે સાળંગપુર જતા રોડ પર દરોડો પાડી અનીશ ઈકબાલભાઈ પરમારને વિદેશી દારૂની એક બોટલ સાથે ઝડપી પાડયો હતો. પોલીસ પૂછપરછમાં તેણે આ બોટાલ જયું હકુભાઈ ખાચર પાસેથી લાવ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે બન્ને શખ્સ વિરૂધ્ધ રાણપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ તળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.