સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ મેળવવી લોઢાના ચણા ચાવવા સમાન, અઘરી પ્રોસેસથી કંટાળ્યા વાલીઓ
Process Of Getting A Scholarship Is Complicated: સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ધો. 1થી 5ના વિદ્યાર્થીઓને 1650 રૂપિયા અને ધો. 6થી 8ના વિદ્યાર્થીઓને 1950 રૂપિયા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. જેની ડિજીટલ ગુજરાત પોર્ટલ પર દરખાસ્ત કરવાની હોય છે. પરંતુ આ શિષ્યવૃત્તિ મેળવવી એ લોઢાના ચણા ચાવવા જેવું અઘરું કામ થઈ ગયું છે.
શિષ્યવૃત્તિ મેળવવાની અઘરી પ્રોસેસ!
શિષ્યવૃત્તિ મેળવવાની દરખાસ્ત કરવા માટે સૌથી પહેલા વિદ્યાર્થીનું બૅન્ક ખાતું હોવું જોઈએ. બૅન્ક ખાતું ખોલવા માટે આધારકાર્ડ હોવું ફરજિયાત છે. વિદ્યાર્થી અને વાલી આધાર કાર્ડ કઢાવવા માટે અનેક ધક્કા ખાય છે, પછી લાઇનમાં ઊભા રહ્યા બાદ મહા મુસીબતે આધાર કાર્ડ નીકળે છે. ત્યારબાદ ખાતું ખોલાવવા માટે બૅન્કોના ધક્કા થાય છે. વિદ્યાર્થીનું ખાતું બૅન્ક દ્વારા ખોલી આપવામાં આવતું નથી. ઘણાં બધા પ્રયત્નો પછી વિદ્યાર્થી 5 હજાર જેટલી રકમ બૅન્કમાં ડિપોઝીટ રાખે ત્યારે ખાતું ખોલી આપવામાં આવે છે.
આ પણ વાંચો:મહેસાણા ભાજપના યુવા નેતાની કરતૂત, દુષ્કર્મ કેસમાં જેલહવાલે, ગૃહમંત્રી સાથેના ફોટા ચર્ચામાં
E-KYC માટેની પ્રક્રિયા પણ ખૂબ જ જટિલ
ડિજીટલ ગુજરાતની સાઇટ ધીમી ચાલતી હોવાથી તેમાં વારંવાર એરર આવતી હોય છે. વહેલી સવારે શિષ્યવૃત્તિ દરખાસ્ત કરીએ ત્યારે એક કલાકમાં માંડ 10 જેટલી એન્ટ્રી થઈ શકે છે. અત્યાર સુધીમાં માંડ 40 ટકા બાળકોની દરખાસ્ત થયેલ છે. એમાં વળી, E-KYC ન હોય તો દરખાસ્ત થતી નથી. E-KYC કરવા માટેની પ્રક્રિયા પણ ખૂબ જ જટિલ છે. જેમાં PDS+ ઍપ્લિકેશનમાં શિક્ષકો એપ ઓપન કરે એટલે વિદ્યાર્થીના વાલીના મોબાઇલમાં OTP આવે છે, તેને જનરેટ કર્યા બાદ આધાર KYC કરે છે. સૂચનાઓ વાંચીને રેશન કાર્ડ નંબર દાખલ કરવામાં આવે છે, ફરી વાલીના મોબાઇલ નંબરમાં OTP આવે છે.
રેશન કાર્ડમાં જેટલા મેમ્બર હોય એટલા શો થાય એમાં જે વિદ્યાર્થીનું E-KYC બાકી હોય એના નામ પર ટીક કરવાથી ફોટો કેપ્ચર કરવાનો, ફોટો કેપ્ચર કરવા ફરી પાછો OTP આવે તે દાખલ કરવામાં આવે છે. ત્યારબાદ ફોટો કેપ્ચર કરવામાં પણ સમય લાગે, ફોટો કેપ્ચર થયા બાદ વિદ્યાર્થીની આધાર વિગતો ખૂલે એમાં ટીક કરી સબમિટ ફોર એપ્રુવલ આપીએ ત્યારે E-KYC પૂર્ણ થાય છે અને વિદ્યાર્થીની શિષ્યવૃત્તિની દરખાસ્ત સબમિટ થાય છે.
વાલીઓ શિષ્યવૃત્તિ લેવાની ના પાડે છે
આટલી બધી પ્રક્રિયા વાલીઓ પોતાના કામના ભોગે, મજૂરીના ભોગે કરવી પડતી હોય છે. વાલીઓ કહે છે કે, 'રહેવા દો સાહેબ મારે શિષ્યવૃત્તિ જોઈતી નથી. આમ માત્ર 1650 રૂપિયા જેટલી નજીવી શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરવા સાત કોઠા પાર કરવા જેવું કામ છે. જો ખરેખર સરકારને શિષ્યવૃત્તિ આપવી જ હોય અને એ માટેની પ્રક્રિયા સરળ કરવી હોય તો આટલું નાનું ફોર્મેટ જ રાખવું જોઈએ.'
1) ક્રમ
2) વિદ્યાર્થીનું નામ
3) બૅન્ક ખાતા નંબર
4) બૅન્ક
5) IFSC કોડ
6) જમા કરવાની રકમ
વિદ્યાર્થીઓનું ભણતર બગડે એવી નોબત
જે શિષ્યવૃત્તિનો હેતુ વિદ્યાર્થીને ભણતરમાં મદદરૂપ થવાનો હતો એનો આખો હેતુ જ માર્યો ગયો. હવે શિષ્યવૃત્તિના લીધે વિદ્યાર્થીઓનું ભણતર બગડે એવી નોબત આવી ગઈ છે. માટે શિષ્યવૃત્તિ મેળવવી એ લોઢાના ચણા ચાવવા જેવું અઘરું કામ થઈ ગયું છે.