GETCO એ 350 કરોડનો ધૂમાડો કરી 66 KVના 50 સબસ્ટેશન બનાવ્યાં પણ હજુ એકેય ચાલુ નથી

Updated: Aug 2nd, 2024


Google NewsGoogle News
GETCO


GETCO: ગુજરાત સરકારની વધુ એક અણઆવડત છતી થઈ છે. સરકારની પોતાની ઊર્જા વિભાગ હસ્તકની કંપની જેટકો દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમય દરમિયાન 50 જેટલા નવા 66 કેવી સબ સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં પ્રતિ સબ સ્ટેશન દીઠ સિવિલ વર્ક તથા ટ્રાન્સફોર્મર સહિતની વિવિધ મશીનરી અને કેબલીગ વગેરે પાછળ અંદાજીત સાત કરોડથી વધુ ખર્ચ કરવામાં આવ્યો છે. તે જોતા 50 જેટલા સબ સ્ટેશનો પાછળ સાડા ત્રણસો કરોડનું આંધણ થવા છતાં તેમાંથી એકપણ સબ સ્ટેશન કાર્યરત થઇ શક્યું નથી.

જેટકોમાં વહીવટી અક્ષમ્ય બેદરકારી

મળતી આધારભૂત માહિતી માહિતી મુજબ જેટકો દ્વારા આ નવા ઉભા કરવામાં આવેલા સબ સ્ટેશનોમાં નવા સ્ટાફની નિયુક્તિ નહિ કરવામાં આવતા તેમજ કોઈ એજન્સીને તેના સારસંભાળની કામગીરી નહિ સોંપવાના કારણ માત્રથી આ તમામ નવા સબ સ્ટેશનો પાછળ કરવામાં આવેલો ખર્ચ હાલને તબક્કે નિરર્થક બની ગયો છે. માત્ર વહીવટી અક્ષમ્ય બેદરકારીને કારણે આવો તો કઈ કેટલાયે રૂપિયાનો ખર્ચ બેફામ રીતે થઈ રહ્યો છે. જેટકોના કેટલાક ઉપરી અધિકારીઓની મિલીભગતના કારણે આવી અનેક ગેરરીતિઓ જેટકોમાં ચાલતી હોવાની બૂમ પણ ઉઠવા પામી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ વકર્યો, કુલ મૃત્યુ 61, પોઝિટિવ કેસ 56, શંકાસ્પદ કેસ વધી 148 થયા

નવા મેનેજીંગ ડાયરેક્ટરની નિયુક્તિ માટેની કાર્યવાહી નથી થઈ 

નવી પામવા જેવી બાબત એ છે કે, સરકારના ઉર્જા વિભાગમાં એક માત્ર જેટકો જ નફાકારક યુનિટ છે, આ યુનિટના મહત્વના ગણાતા મેનેજીગ ડાયરેક્ટરનો કાર્યકાળ ચાર મહિના પૂર્વે એટલે કે માર્ચ મહિનામાં પૂર્ણ થઈ ગયો છે. તેમ છતાં આટલો લાંબો સમય વીતવા છતાં નવા મેનેજીંગ ડાયરેક્ટરની નિયુક્તિ માટેની કાર્યવાહી હજુ સુધી કરવામાં આવી નથી. જેના કારણે કંપનીના શ્રેણીબદ્ધ નીતિ વિષયક નિર્ણયો અટવાઈને પડયા રહ્યા છે. જેની સીધી અસર જેટકોની સમગ્ર કાર્ય પધ્ધતિ ઉપર પડી રહી છે.

દરેક તબક્કે ભ્રષ્ટાચારનું પ્રમાણ પણ વ્યાપક બન્યું છે 

સુત્રોના જણાવ્યા મુજબ જેટકોમાં છેલ્લા કેટલાક સમયથી વહીવટી તંત્રનો કોઈ જ કાબુ નહિ હોવાના કારણે કર્મચારી આગેવાનોની દાદાગીરી ખુબ જ વધી જવા પામી છે. તેમજ દરેક તબક્કે ભ્રષ્ટાચારનું પ્રમાણ પણ વ્યાપક બન્યું છે. જેટકોના વહીવટી અને ટેકનીકલ પોસ્ટ ઉપર ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓના બદલી સહિતના હુકમોનો પણ કોઈ જ અમલ મહિનાઓ સુધી થતો નહિ હોવાની પણ ફરિયાદો ઉઠેલી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં મર્જરના નામે 5612 સરકારી સ્કૂલોને ખંભાતી તાળા, 1657માં તો માત્ર એક જ શિક્ષક

આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ બગડવાની સંભાવના 

જેટકોના એક એક્ઝીક્યુટીવ ઈજનેરની બદલી ઓર્ડર ક્રમાંક જેટકો/ એચઆર ટ્રાન્સ/ ઈઈ/23/ 1723/ તા. 26/07/23 એટલે કે લગભગ એક વર્ષ પહેલા થઇ હોવા છતાં તેનો અમલ હજુ સુધી થવા પામ્યો નથી આવા તો અનેક ઉદાહરણો ઉપલબ્ધ છે. આમ, જેટકોના સડેલા તંત્રમાં જો તાત્કાલિક ધોરણે જો કોઈ લાવવામાં નહિ આવે તો આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ ખાડે જવાની પૂરી શક્યતાઓ સૂત્રો ધ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

GETCO એ 350 કરોડનો ધૂમાડો કરી 66 KVના 50 સબસ્ટેશન બનાવ્યાં પણ હજુ એકેય ચાલુ નથી 2 - image


Google NewsGoogle News