Get The App

વાવ બેઠક પર જામશે રસાકસીભર્યો જંગ, ગેનીબેન ઠાકોરના કાકાએ અપક્ષ તરીકે નોંધાવી ઉમેદવારી

Updated: Oct 23rd, 2024


Google NewsGoogle News
વાવ બેઠક પર જામશે રસાકસીભર્યો જંગ, ગેનીબેન ઠાકોરના કાકાએ અપક્ષ તરીકે નોંધાવી ઉમેદવારી 1 - image


Bhuraji Thakor Independent Candidate: બનાસકાંઠામાં વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર સામે તેમના જ કાકા ભુરાજી ઠાકોરે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આ સમાચાર વાયુવેગે પ્રસરી ગયા પછી ઠાકોર સમાજમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે કારણ કે, કોંગ્રેસ અને ગેનીબેનનો ગઢ કહેવાતી વાવ બેઠક પરથી ગેનીબેનના પરિવારના સભ્યે જ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ગેનીબેનના કાકા ભુરાજી ઠાકોર ઘણાં સમયથી ભાજપ સાથે જોડાયેલા હતા, પરંતુ તેમને ટિકિટ ન મળતાં અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. ભુરાજી ઠાકોર ગેનીબેનના ગઢમાં ગાબડું પાડશે તો તેનો સીધો ફાયદો ભાજપને થશે.

વાવ વિધાનસભાની બેઠક પોતાના નામ કરવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. કોંગ્રેસે ઉમેદવારી માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. ભાજપમાંથી 50 જેટલા લોકોએ પોતાની દાવેદારી નોંધાવી છે, જ્યારે કોંગ્રેસમાંથી 8 લોકો દાવો કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ અપક્ષ ઉમેદવારો પણ મેદાને ઉતર્યા છે, હાલમાં 3 ઉમેદવારોએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. જેમાં ગેનીબેનના પરિવારમાંથી તેમના કૌટુંબિક કાકા ભુરાજી ઠાકોરે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કારણ કે વાવ બેઠક કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો સવાલ છે, જ્યારે ભાજપ માટે અસ્તિત્વની જંગ છે. 

આ પણ વાંચો: કોંગ્રેસ વાવ બેઠક પર છેલ્લા દિવસે ઉમેદવારના નામની ઘોષણા કરશે, પહેલે આપ,પહેલે આપ જેવી સ્થિતિ

કોણ છે ભુરાજી ઠાકોર? 

ભુરાજી ઠાકોર ભાજપ સાથે જોડાયેલા છે, પરંતુ ભાજપમાં ઉમેદવારોની સંખ્યાને જોતાં તેમને લાગી રહ્યું છે તેમને ટિકિટ મળી શકે એમ નથી. આ કારણસર તેમણે અપક્ષ  તરીકે ઉમેદવારી નોંધાવી છે. ભુરાજી ઠાકોર પૂર્વ ડેલિગેટ રહી ચૂક્યા છે. રસપ્રદ વાત એ છે કે, ભુરાજી ઠાકોરના પત્ની કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. કોંગ્રેસમાંથી તે જિલ્લા પંચાયતના સદસ્ય પણ રહી ચૂક્યા છે. ભુરાજી ઠાકોર લાંબા સમયથી રાજકારણમાં સક્રિય છે, જેથી તેમણે વાવ બેઠક પરથી પોતાનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું છે. 

ભુરાજી ઠાકોરે સમર્થકોની હાજરીમાં નોંધાવી ઉમેદવારી

ભુરાજી ઠાકોરે સર્મથકોની હાજરીમાં ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી નોંધાવતી વેળાએ તેમણે બંને પક્ષો પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષોમાં તેમની સમસ્યાઓ સાંભળવામાં આવતી ન હોવાની વાત કરી હતી. ભુરાજી ઠાકોરે નર્મદાના પાણી મળતું ન હોવાના મુદ્દે આક્રોશ વ્યક્ત કર્યો હતો. હજુ પણ વાવ પંથકના 10 જેટલા ગામોને પીવા માટે ખારું પાણી મળી રહ્યું છે, નર્મદાના નીર હજુ સુધી પહોંચ્યા નથી. તેમને ગેનીબેન ઠાકોર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે ગેનીબેન બે વખત ધારાસભ્ય તરીકે અને એકવાર સાંસદ તરીકે ચૂંટાયા છે પરંતુ નર્મદાના નીર પહોંચાડવામાં આવ્યા નથી. આ ઉપરાંત સમાજની બોર્ડિંગની કરોડોની જમીનનું કોઇ નિરાકરણ આવતું ન હોવાની પણ હૈયાવરાળ ઠાલવી હતી. 

આ પણ વાંચો: મારે પણ ચૂંટણી લડવી છે; વાવ બેઠક પર પેટાચૂંટણી માટે ભાજપમાં 20થી વધુ દાવેદાર, નિરીક્ષકો મૂંઝવણમાં મુકાયા

વાવ બેઠક પર 13 નવેમ્બરે યોજાશે ચૂંટણી

લોકસભા ચૂંટણી 2024માં રાજ્યમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું હતું. જેમાં 26માંથી બે બેઠક ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટી લડી હતી, જ્યારે બાકીની તમામ 24 બેઠકો પર કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા હતા. જો કે સુરત બેઠક બિનહરીફ થતા કોંગ્રેસે 23 બેઠકો પર ચૂંટણી લડી હતી. લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પર વાવના ધારાસભ્ય રહેલા ગેનીબેન ઠાકોરની જીત થઈ હતી. ગુજરાતની 26 બેઠકોમાંથી એક બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી, જે બનાસકાંઠા બેઠક છે.

ત્યારે હવે ગેનીબેન ઠાકોરની ખાલી પડેલી વિધાનસભા બેઠક પર ચૂંટણી પંચ દ્વારા પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. 13 નવેમ્બર 2024ના રોજ મતદાન યોજાશે અને 23 નવેમ્બરે મતગણતરી યોજાશે. જ્યારે ઉમેદવારી નોંધાવવાની તારીખ 18 ઓક્ટોબર, ઉમેદવારી માટેની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર, ઉમેદવારી ચકાસણીની તારીખ 28 ઓક્ટોબર છે. જ્યારે ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર છે. ચૂંટણી વિભાગની જાહેરાત બાદ હવે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે. 

કોંગ્રેસના સંભવિત ઉમેદવારના નામ

વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના કેટલાક સંભવિત ઉમેદવારોના નામની ચર્ચા થઈ રહી છે. જેમાં કે.પી. ગઢવી, ગુલાબસિંહ રાજપૂત, ઠાકરશીભાઈ રબારી, માવજી પટેલ સહિતના નેતાઓ રેસમાં છે. આમ તો આ ત્રણેય ઉમેદવારો અલગ અલગ સમાજના છે, પરંતુ ગેનીબેનની જીત બાદ કોંગ્રેસ જાતિગત સમીકરણોને બાજુએ મૂકીને ગેનીબેનના જોરે ચૂંટણી લડી શકે છે. 

આ પણ વાંચો: ગેનીબેનની વાવ વિધાનસભા બેઠક : કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો સવાલ, ભાજપ માટે અસ્તિત્વનો જંગ

વાવ બેઠક પર ભાજપના દાવેદારો

સ્વરૂપજી ઠાકોર

તારાબેન ઠાકોર

અમથુજી ઠાકોર

કરશનજી ઠાકોર

ગગજી ઠાકોર

વીરાજી ઠાકોર

દિલીપ વાઘેલા

રજનીશ ચૌધરી

મુકેશ ઠાકોર

શૈલેષ ચૌધરી

લાલજી પટેલ

રજની પટેલ

ગજેન્દ્રસિંહ રાણા


Google NewsGoogle News