કલાકારોના વિવાદમાં ગેનીબેન ઠાકોરની એન્ટ્રી, કહ્યું- 'સરકારની પક્ષપાતપૂર્ણ નીતિનો જીવંત પુરાવો'
Geniben Statement : ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહીને નિહાળવા માટે ગુજરાતભરના ખ્યાતનામ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા. જેમાં ઠાકોર સમાજના કોઈ કલાકારોને ન બોલાવવામાં આવતા વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી. આ મામલે વિક્રમ ઠાકોરે સોશિયલ મીડિયામાં વીડિયો શેર કર્યો હતો. ત્યારે હવે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર વિક્રમ ઠાકોરના સમર્થનમાં ઉતર્યા છે.
ગેનીબેન ઠાકોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા છે. તેમને કહ્યું કે ગુજરાત સરકાર દ્વારા રાજ્યની કલા અને સંસ્કૃતિને જીવંત રાખનાર કલાકારોનું સન્માન કરવામાં આવ્યું, પરંતુ ઠાકોર સમાજના એકપણ કલાકારને સ્થાન આપવામાં આવ્યું નહી. આ માત્ર અવગણના નથી, પણ સરકારની પક્ષપાતપૂર્ણ નીતિનો જીવંત પુરાવો છે. ઠાકોર સમાજની પ્રતિભાને સતત અવગણવી એ ભાજપની નીતિ બની ગઇ છે. સમાજના કલાકારો જે નિર્ણય લેશે, તેમાં હું સંપૂર્ણપણે સમર્થન કરું છું.
વિક્રમ ઠાકરોની નારાજગી પર ભાજપ સાંસ્કૃતિક સેલે પણ સ્પષ્ટતા કરી છે. અને કહ્યું હતું કે 'આ કોઈ સરકારનો કાર્યક્રમ ન હતો, વ્યક્તિગત સબંધમાં કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું'.
આજે વિક્રમ ઠાકોર યોજશે પત્રકાર પરિષદ
શું હતો સમગ્ર મામલો?
ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજકીય કાર્યવાહી નિહાળવા માટે ગુજરાતના પ્રખ્યાત કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં ગીતા રબારી, કિંજલ દવે, માયાભાઈ આહીર, રાજભા ગઢવી, કિર્તીદાન ગઢવી સહિતના કલાકારોને બોલાવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઠાકોર સમાજના કોઈપણ કલાકારોને બોલાવવામાં ન આવતા અભિનેતા વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી. વિક્રમ ઠાકોરે કહ્યું કે, 'મને એટલા માટે ખોટું લાગ્યું કે મારા સમાજના કોઈ કલાકારોને તમે ના બોલાવ્યા. હું મારા સમાજના મોટા નેતાઓને કહીશ કે, તમે આ નોંધ ન લીધી હોય તો લેજો અને આગળ આવું ન થાય તેનું ધ્યાન દોરજો. ઠાકોર સમાજના અનેક લોકોના મને ફોન આવ્યા છે. ઠાકોર સમાજ બહુ મોટો છે અને ભાજપ હોય કે કોંગ્રેસ હોય દરેક પક્ષને સપોર્ટ કરે છે. બસ એટલી જ વિનંતી કરવા માંગું છું સરકારને કે, આવો કોઈ કાર્યક્રમ હોય તો મને બોલાવો ના બોલાવો પણ બીજા સમાજના મોટા કલાકારોને તમે બોલાવો એ બહુ સારી વાત છે, હું અભિનંદન પાછવું છું કે અમારા કલાકારોનું આટલું તમે સન્માન કર્યું. પરંતુ એમાં અમારા ઠાકોર સમાજના પણ કલાકારો છે, એ તમે ચૂક્યા....'