ગેનીબેનનું ધારાસભ્ય પદેથી રાજીનામું: હવે કોને ટિકિટ આપશે કોંગ્રેસ? આ બે નામ પર સૌથી વધુ ચર્ચા
Vav Assembly Seat: ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી 25 બેઠકો પર ત્રીજા તબક્કામાં સાતમી મેએ મતદાન થયું હતું. સુરતની એક બેઠક બિનહરીફ થયા બાદ અન્ય 24 બેઠક ભાજપે જીતી છે. જ્યારે બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત થઈ છે. અહીંથી સાંસદ તરીકે ચૂંટાયેલા ગેનીબેન વાવ વિધાનસભા બેઠકના ધારાસભ્ય હતા. હવે તેઓ વાવના ધારાસભ્યના પદ પરથી પોતાનું રાજીનામું આપશે. ત્યારે હવે વાવ બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ કયા નેતાને ઉતારશે તે અંગે ચર્ચા થઈ રહી છે.
આ બે નામ પર સૌથી વધુ ચર્ચા
સાંસદ બનતા ગેનીબેન ઠાકોર વાવના ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે. આ બેઠક ખાલી પડશે એટલે કે છ મહિનાની અંદર વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાશે. ત્યારે આ બેઠક પર કોંગ્રેસ કોને ટિકિટ આપશે તેને લઈને અટકળો તેજ બની છે. અહેવાલો અનુસાર, કોંગ્રેસ જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને વાવ બેઠકથી ટિકિટ આપી શકે છે. આ ઉપરાંત ઠાકરશી રબારીનું નામ ચર્ચાઈ રહ્યું છે, જે વાવ તાલુકાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રહી ચૂક્યા છે.
બનાસકાંઠાને 62 વર્ષે મહિલા સાંસદ મળ્યા
પાકિસ્તાન બોર્ડરથી માંડ 30 કિ.મી. દૂર આવેલા બનાસકાંઠા લોકસભા બેઠકમાં ભારે જંગ જામ્યો હતો. ગુજરાતની આ લોકસભા બેઠક પર બે મહિલાઓ સામસામે છે. કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને ભાજપના રેખાબેન ચૌધરી વચ્ચે આ લડાઈ હતી અને અંતે ગેનીબેને બાજી મારતા 62 વર્ષ બાદ બનાસકાંઠાને મહિલા સાંસદ મળ્યા છે. 1962 બાદ પ્રથમ વખત બનાસકાંઠા બેઠક પરથી મહિલાને સંસદમાં જવાનો મોકો મળશે. 1962માં ઝોહરાબેન ચાવડા કોંગ્રેસની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયા હતા.
ગેનીબેન ઠાકોરની બે વાર વિધાનસભા ચૂંટણી જીતી હતી
ગેનીબેન ઠાકોરનું પૂરું નામ ગેનીબેન નાગાજી ઠાકોર છે, તેઓ કોંગ્રેસમાં સક્રિય મહિલા રાજકારણી છે. તેમણે ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વાવ વિધાનસભા મતવિસ્તારમાંથી તેમણે ઉમેદવારી નોંધાવી હતી પરંતુ તેમાં તેમનો પરાજય થયો હતો. આ પછી ફરી 2017માં તેમણે વાવ મતવિસ્તારમાંથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને 6,655 મતની સરસાઈ સાથે જીત મેળવી હતી. વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ફરીથી વાવ બેઠક પરથી ચૂંટાયા હતા.