'અમારી ગણતરી હતી કે....', વાવ બેઠક પર કોંગ્રેસની હાર બાદ ગેનીબેનનું પ્રથમ નિવેદન
Geniben Thakor On Vav By-Election Results : બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. જેમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે, ત્યારે કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. આ દરમિયાન વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન સામે આવ્યું છે.
'આગામી સમયમાં અમારી કચાસ દૂર કરવા પ્રયત્ન કરીશું'
ગેનીબેન ઠાકોરે કહ્યું કે, 'કોંગ્રેસના કાર્યકર્તાઓ અને મતદારોનો આભર માનુ છું. આ ચૂંટણીમાં કોંગ્રેસને ખૂબ મત મળ્યાં છે, પરંતુ ક્યાંકને ક્યાંક અમારી કચાસ રહી છે. લોકશાહીમાં જનતા સર્વોપરી છે. આ વખતે અમે થોડા મત માટે રહી ગયા છીએ, પરંતુ આવનાર સમયમાં પૂરો અભ્યાસ કરીને અમારી કચાસ દૂર કરવાનો પ્રયત્ન કરીશું. જ્યારે ભાજપના ઉમેદવારે આપેલા વાયદા પૂરા કરે તેવી આશા રાખું છું.'
અપક્ષ ઉમેદવાર અને મતોની ધારણાને લઈને ગેનીબેન કહ્યું કે, 'અમારી ગણતરી હતી કે, અપક્ષ ઉમેદવાર 30 હજારથી વધુ મત મેળવશે. પરંતુ જાતિવાદી મતદાન અને જાતિવાદી સમીકરણને કારણે અમારી ધારણાથી વધુ ભાજપને મત ગયા હતા, જેથી ક્યાંકને ક્યાંક અમારી નાની મોટી ભૂલ રહી ગઈ હતી. આવનાર સમયમાં અમે આ કચાસ દૂર કરીશું અને અમે લોક ચુકાદો માથે રાખીએ છીએ.'
વાવમાં ભાજપની જીત પર શું બોલ્યાં પાટીલ?
વાવ બેઠક પર જીત બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું કે, 'કોંગ્રેસે જ માવજીભાઈને અપક્ષમાં ઉભા રાખ્યા, ત્રિપાખીયો જંગ ઉભો કરી કોંગ્રેસને જીતાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોંગ્રેસના એ તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા. લોકોને વિકાસમાં રસ છે.'
આ પણ વાંચો : વાવમાં છેલ્લી ઘડીએ બાજી પલટાઈ, ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની 2 હજારથી વધુ મતથી જીત
વાવમાં ભાજપનું કમળ ખીલ્યું
વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે 2,442 મતોથી જીત હાંસલ કરી છે. બીજી તરફ, કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતનો પરાજય થયો હતો. ભાજપના સ્વરૂપજી ઠાકોરને 92,176 મત, કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને 89,734 મત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલને 27,195 મત મળ્યા છે. ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો 2,442 મતથી વિજય થયો છે. નોંધનીય છે કે નોટામાં પણ 3360 મત પડ્યા હતા.