'મારી અંતિમયાત્રામાં પણ કોંગ્રેસનો ઝંડો હશે...' વાવમાં ગેનીબેન ઠાકોરનો હુંકાર
Geniben Thakor News : બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરના સન્માન સમારોહના કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સહિત કોંગ્રેસના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યાં હતા. આ દરમિયાન કાર્યક્રમ પહેલા મોટી બાઈક રેલી રાખવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. આ કાર્યક્રમમાં ગેનીબેને વાવ વિધાનસભાના મતદારોનો આભાર માનતા જણાવ્યું હતું કે, 'મારી અંતિમયાત્રામાં પણ કોંગ્રેસનો ઝંડો રહેશે.' આ ઉપરાંત, આગામી વાવ વિધાનસભાની પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને જીત માટે હાકલ કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં ગેનીબેને શું કહ્યું?
ગેનીબેને કહ્યું કે, 'જો કોઈ બહેન કે દીકરી મામેરું માંગીને સત્તા સ્થાને આવે તો એની કિંમત હું જાણું છું. હું વાવ મતદારોનો વિશ્વાસ ક્યારે નહીં તોડું.' આ સાથે ગેનીબેને રાજકીય પ્રતિબદ્ધતા અને નૈતિક મૂલ્યોને પ્રાધાન્ય આપવા સહિતની વાતને લઈને નિવેદન આપ્યું હતું.
ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા માંગ
આ કાર્યક્રમમાં આગામી વાવ વિધાનસભાની પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે તૈયારી બતાવી છે. બીજી તરફ, સંસદમાં ગેનીબેને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ કરી હતી. તેમને પોતાના ભાષણ દરમિયાન જગદગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદની પદયાત્રાનો ઉલ્લેખ કરીને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ કરી હતી.