નડિયાદની નવરંગ સોસાયટીમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું
પરવાના વગરના ૭૦થી વધુ ગેસ સિલિન્ડર સિઝ
કૌભાંડમાં સંકળાયેલા મકાન માલિકના મૌનથી સરકારી બાબુઓની પણ સંડોવણીની શક્યતા
નડિયાદ શહેરમાં માઈ મંદિર રોડ પર સાવલિયા પમ્પિંગ સ્ટેશન પાસે નવરંગ સોસાયટીમાં ગિરિશ પટેલ ઉર્ફે કિરીટના મકાનમાં પતરાની ઓરડીમાં ગેરકાયદે ગેસ સિલિન્ડરો લાવી ગેરકાયદે પ્રવૃત્તિ કરતો હતો. જ્યાં પોલીસે ગુરૂવારે છાપો મારતા મકાનમાંથી કોમર્સિયલ અને ઘરેલું ગેસના ૭૦થી વધુ સિલિન્ડરો મળી આવ્યા હતા. બાદમાં પોલીસે જાણ કરતા જિલ્લા પુરવઠા વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. સ્થળ પર પહોંચેલા જિલ્લા પુરવઠા અધિકારી અક્ષય પારઘીએ જણાવ્યું કે, આ તમામ એલપીજી ગેસ સિલિન્ડર કોમશયલ અને ઘરેલું છે. ગિરિશ પટેલ ઉર્ફે કિરીટ નામનો શખ્સ કોઈ આધાર પુરાવા રજૂ કરી શક્યો ન હોવથી ગેરકાયદે છે. હાલ તમામ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રથમ એલપીજી ગેસના ૭૦થી વધુ સિલિન્ડરો, રિફિલિંગની મશીનરી સહિતનો જથ્થો સિઝ કરાયો છે. અહીં રિફિલિંગ કરાતું હતું કે કેમ તે તપાસનો વિષય છે. તેમ જણાવ્યું છે. નવરંગ સોસાયટીમાં અંદાજે ૫૦થી વધુ મકાનો આવેલા છે. ત્યાં રહેણાંક મકાનમાં આટલા મોટીમાત્રામાં ગેસના સિલિન્ડરો મળી આવતાં કોઈ જાનહાનિ થાય તો કેટલાય નિર્દોષ લોકોનો ભોગ લેવાત અને જયપુર હાઈવે જેવી દુર્ઘટના સર્જાવાનો ભય હતો.
આ સમગ્ર મામલે હાલ તો આ રિફિલિંગના રેકેટ સાથે સંકળાયેલો ગિરિશ પટેલ ઉર્ફે કિરીટ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. ત્યારે આ કૌભાંડમાં સરકારી બાબુઓની પણ સંડોવણીની શક્યતાઓ છે. ત્યારે આ મામલે પુરવઠા વિભાગ સાથે એલસીબી પણ તપાસ કરશે તેવું જાણવા મળ્યું છે.