દહેજની GFL કંપનીમાં ગેસ ગળતરથી ચારનાં કરૃણ મોત
ગુજરાત ફ્લોરો કંપનીની ઘટનામાં ચારેય કામદારોને યોગ્ય સારવાર મળે તે પહેલાં જ મોત મળ્યું ઃ બે કામદારો સારવાર હેઠળ
ભરૃચ, અંકલેશ્વર તા.૨૯ ભરૃચ જિલ્લામાં દહેજ જીઆઈડીસીની ગુજરાત ફલોરોકેમિકલ કંપની લી.(જીએફએલ)માં ઝેરી ગેસ ગળતરની ઘટનામાં કંપનીના એક કર્મચારી તેમજ ત્રણ કોન્ટ્રાક્ટના કર્મચારી સહિત ચાર કર્મચારીના કરૃણ મોત નિપજ્યા હતાં જ્યારે અન્ય બે કામદારોને ગેસની અસરના કારણે સારવાર હેઠળ છે.
ભરૃચ જિલ્લાની દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલી ગુજરાત ફલોરોકેમિકલ લી.(જી.એફ.એલ.)માં ગઇ રાત્રે ૯.૩૦ કલાકની આસપાસ કંપનીના પ્રોડક્શન વિભાગમાં આવેલ ક્લોરો મિથાઈલ પ્લાન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી રિસાઈકલ કોલમ ટોપ કન્ડેન્સર પાઈપ લાઈન કે જેમાં મિથાઈલ ક્લોરાઇડ, સીટી ક્લોરોફોમ અને એચસીએલ વેપર નામના ગેસનું મિશ્રણ પસાર થતું હતુ તેમાંથી ગેસ લીકેજ થતા કંપનીમાં કામ કરતા ત્રણ કોન્ટ્રાકટ કામદારોતેમજ એક કંપની કામદાર મળીને કુલ ચાર કામદારોને ઝેરી ગેસ લાગ્યો હતો.
આ કામદારોને પ્રાથમિક સારવાર કંપનીમાં અપાયા બાદ વધુ સારવાર માટે ભરૃચની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન કામદારોને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. ઘટનાને પગલે જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ સ્ટાફ સાથે કંપની પર દોડી ગયા હતાં. જ્યારે પોલીસે મૃતકોના પીએમ કરાવીને વધુ તપાસ હાથ ધરી છે.
કંપનીના એચ આર મેનેજર જીગ્નેશ પરમારે જણાવ્યુ હતું કે કંપનીના સીએમએસ પ્લાન્ટમાં પાઇપલાઇનમાંથી ગેસ લીકેજ થવાના કારણે દુર્ઘટના સર્જાઈ હતી,અને કંપની દ્વારા મૃતક કામદારોના પરિવારને રૃ.૨૫ લાખની આથક સહાય આપવાનુ નક્કી કરવામાં આવ્યું છે.
ભરૃચ ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીએ જણાવ્યુ હતુ કે ઘટનામાં કુલ ૬ કામદારોને ગેસ લિકેજની અસર થઈ હતી.જેમાં ૪ કામદારોના મોત નિપજ્યા હતા જયારે અન્ય ૨ કામદારો સુર્યલાલ સાહુ અને છેલ બિહારી સાહુને હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.