વડોદરા: સાંકરદા ગામ પાસે એમોનિયા ગેસ ભરેલી ટેન્કર માંથી ગેસ લીકેજ થતા ભાગદોડ, પાંચ કિલોમીટરના વિસ્તારમાં લોકોને આંખમાં બળતરા
વડોદરા શહેર નજીક આવેલા સાંકરદા ગામ પાસે હાઇવે પરથી પસાર થતી દીપક નાઈટ્રેટની એમોનિયા ભરેલી ટેન્કર ને અકસ્માત થતા પલટી ખાઈ જતા એમોનિયા ગેસનો જથ્થો લીકેજ થતા ભારે ભાગદોડ મચી ગઈ છે ઇન્ડસ્ટ્રીયલ એરીયા અને વડોદરા કોર્પોરેશનના સાતથી આઠ ફાયર ફાઈટર અને અંદાજે ૭૦થી વધુ કર્મચારીઓ એમોનિયા ગેસ લીકેજ અટકાવવાની કામગીરીમાં કામે લાગ્યા છે. એમોનિયા ગેસ લીકેજને કારણે આજુબાજુના પાંચ થી છ કિલોમીટર વિસ્તારમાં લોકોને આંખમાં બળતરાની અસર થઈ હતી.
વડોદરા અમદાવાદ નેશનલ હાઇવે નંબર આઠ પર સાકરદા ગામ પાસે આજે બપોરે એમોનિયા ભરેલું ટેન્કર પલટી ખાઈ જતા ટેન્કરનું ઢાંકણું ખુલ્લુ થતા તેમાંથી એમોનિયા ગેસનો જથ્થો હવામાં ફેલાવવાની શરૂઆત થઈ ગઈ હતી જેને કારણે ભાગદોડ મચી ગઈ છે આ બનાવની જાણ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારની ફાયર બ્રિગેડને થતા પહેલા તેઓએ પહોંચી જઈ કામગીરી શરૂ કરી પરંતુ વધુ ફાયર બ્રિગેડની જરૂરિયાત જણાવતા તાત્કાલિક વડોદરા ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવતા 7 થી 8 જેટલા ફાયર ફાઈટરો અને જવાનો એમોનિયા ગેસ લીકેજ બંધ કરાવવાની જોખમી કામગીરીમાં કામે લાગ્યા હતા જવાનોએ પોતાના સ્વ બચાવમાં મોઢા પર માસ્ક લગાવ્યા અને ઓક્સિજનના બોટલો સાથે રાખ્યા હતા સતત છેલ્લા બે કલાકથી એમોનિયા ગેસ લીકેજ માટે ના પ્રયત્નો થઈ રહ્યા છે.
એમોનિયા ગેસ લીકેજ ને કારણે સાંકરદા ગામની આજુબાજુના પાંચ કિલોમીટર વિસ્તારમાં તેની ગંભીર અસર વર્તાઈ હતી લોકોને આંખમાં બળતરા થયાના કિસ્સા પણ જણાઈ આવ્યા હતા. આ બનાવને કારણે જ્યાં ટેન્કર પલટી ખાઈ ગઈ હતી તેનાથી આજુબાજુ નો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો હતો અને તમામ વિસ્તાર કોર્ડન કરી દેવાની કામગીરી કરવામાં આવી હતી.