ગેસના બાટલાથી ગેમઝોનમાં વિસ્ફોટ : ફોમને કારણે આગ અતિ વિકરાળ બની
અગ્નિકાંડની તપાસ કરતી રાજકોટ સિટે વિગતો જાહેર કરી : આગ વાયરીંગમાં એટલી ઝડપી પ્રસરી કે અંદર એક પછી એક લાઈટો ધડાકા સાથે ફૂટવા લાગી હતી : સાગઠીયા અને મકવાણા, જોષી અંદરોઅંદર મળેલા, તેથી ગેરકાયદે ગેમઝોનને દૂર કરવા કાર્યવાહી ન કરી : વેલ્ડીંગ તણખા ઝર્યા,ફાયર સેફ્ટી ન્હોતી,પતરાંની દિવાલો વચ્ચે ફોમ હતું,પ્લાસ્ટિક-લાકડીનો વિપુલ ઉપયોગ હતો તેથી આવી આગ લાગી
રાજકોટ, : રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં 27 માનવશરીરને ખાખ કરી નાંખનાર અત્યંત ભયાનક આગ વિસ્ફોટ સાથે લાગી હતી. અત્યાર સુધી આ વિસ્ફોટ અંદર સંગ્રહાયેલા પેટ્રોલ ડીઝલના ગેરકાયદે જથ્થાથી થયાનંથ મનાતું હતું પરંતુ, આજે આ સાપરાધ મનુષ્ય વધના ગુનાની સિટ દ્વારા તપાસમાં અંદર ગેસના બાટલા હતા તે ફાટયા હોવાનું તારણ નીકળ્યું છે. આગ અત્યંત ઝડપથી પ્રસરીને વિકરાળ રૃપ લેવા માટે ૩૦૦૦ ચો.મી.ના ગેમઝોનના ત્રણ માળના ડોમમાં ખૂબ વિપુલ માત્રામાં વપરાયેલ અત્યંત જ્વલનશીલ પદાર્થ ફોમ કારણભૂત જણાયેલ છે.
આગ વખતે ધડાકા સંભળાયા અંગે સિટના સૂત્રોએ જણાવ્યું કે સીસીટીવી કેમેરાના વિડીયો ફૂટેજનો અભ્યાસ કરતા આગ લાગ્યા બાદ જે વાયરીંગ કરાયું હતું તે સળગતા નજરે પડે છે અને જે વિવિધ લાઈટો ફીટ કરેલી હતી તે ધડાકા સાથે ફૂટતી પણ દેખાય છે.
સિટના સૂત્રોએ પખવાડિયાની તપાસ બાદ આજે આગ લાગવા માટે 3 કારણો જાહેર કર્યા છે જેમાં (1) આ ગેમઝોનમાં ફેબ્રીકેશનનું કામ ચાલુ હતું અને વેલ્ડીંગ કામ થતું હતું તેની નીચે સળગી ઉઠે તેવા ફોમનો જથ્થો પડેલો હતો. તેના પર તિખારા પડતા આગ લાગી હતી (2) આગ લાગ્યા પછી તેને બુઝાવવા માટે ફાયર સેફ્ટીના સાધનો કે પાણીની વ્યવસ્થાન ન્હોતી તેથી આગ આખા ડોમમાં ફેલાઈ (3) ટી.આર.પી.ઝોનનું બાંધકામ લોખંડના પતરાંથી બનાવેલું હતું જેમાં અંદરના ભાગે તાપમાન નિયંત્રીત રાખવા પતરાંની દિવાલો સાથે ફોમ શીટનો વિપુલ માત્રામાં ઉપયોગ કર્યો હતો જેથી આગ અત્યંત ઝડપથી પ્રસરી (૪) ગેમજોનમાં બોલીંગ એરિયા તથા ટ્રેમ્પોલીન પાર્કમાં ુલાસ્ટિક અને લાકડાનો ભરપૂર ઉપયોગ થયો જેથી આગ વધુ ભભુકી હતી.
પોલીસે આરોપીઓની રિમાન્ડ માટે એક કારણ સાંઠગાંઠ તપાસવાનું પણ રજૂ કર્યું હતું. કોર્પોરેેશનના પૂર્વ અધિકારીઓ એવા આરોપીઓ સાગઠીયા, જોષી, મકવાણાની પુછપરછમાં આ ત્રણેય આરોપીઓ એક બીજા સાથે મળેલા છે અને તેથી ટીઆરપી ગેમઝોનનું ગેરકાયદે બાંધકામ દૂર કરવા નોટિસ અપાયા છતાં તે દૂર કરવા કાર્યવાહી કરી નથી અને તા.4-5-2024ના આ બાંધકામ રેગ્યુલરાઈઝ્ડ કરવા અરજી થઈ છતાં સુરક્ષાની દ્રષ્ટિએ બાંધકામની કોઈ ચકાસણી કરેલ નથી. જ્યારે તા.૩-૯-૨૦૨૩ના આ જ સ્થળે આગ લાગવા છતાં તત્કાલીન ફાયર ઓફિસર રોહિત આસમલભાઈ વિગોરાએ કોઈ કાર્યવાહી કરી નથી.
આ કેસમાં (1) ગેમઝોનના પાર્ટનર યુવરાજસિંહ હરીસિંહ સોલંકી ગુર્જર ક્ષત્રિય રાજપૂત (ઉ. 30) (2) મેનેજર નિતીન મહાવીરપ્રસાદ લોઢા જૈન વણિક (ઉ. 41) (૩) રાહુલ લલિતભાઈ રાઠોડ લુહાર (ઉ. 28 પાર્ટનર) (4) ધવલ ભરતભાઈ ઠક્કર લોહાણા (ઉ. 36 પાર્ટનર) (5) કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા (ઉ. 56, જમીન માલિક અને પાર્ટનર)ની ધરપકડ કરીને રિમાન્ડ પર લેવાયેલા છે.
ત્યારબાદ મનપાના (1) તત્કાલીન ટાઉન પ્લાનીંગ ઓફિસર મનસુખ ધનજીભાઈ સાગઠીયા (ઉ. 55) (2) તત્કાલીન એ.ટી.પી. ગૌતમ દેવશંકર જોષી (ઉ. 46) અને (3) તત્કાલીન એ.ટી.પી.મુકેશ રામજીભાઈ મકવાણા (ઉ. 43) અને (4) રોહિત વિગોરા (ઉ. 29) એ 4 સહિત 9 આરોપીઓની ધરપકડ થઈ છે અને હાલ રિમાન્ડ પર છે. ગેમઝોનના અન્ય એક પાર્ટનર અને આરોપી પ્રકાશચંદ્ર કનૈયાલાલ હિરનનું ગેમઝોનમાં આગમાં મૃત્યુ નીપજ્યું છે. ગેમઝોનનો પાર્ટનર અને આરોપી અશોકસિંહ જગદીશસિંહ જાડેજા હજુ પણ આ બનાવમાં નાસતાા ફરતા હોય તેને પકડવા ત્રણ ટીમો જહેમત ઉઠાવી રહ્યાનું પોલીસે જણાવ્યું હતું.