વર્ષ પહેલા 38 કૃષિપેદાશોમાં લસણ સૌથી સસ્તુ હતું અને હવે સૌથી મોંઘું

Updated: Feb 14th, 2024


Google NewsGoogle News
વર્ષ પહેલા 38 કૃષિપેદાશોમાં લસણ  સૌથી સસ્તુ હતું અને હવે સૌથી મોંઘું 1 - image


માર્કેટ યાર્ડમાં હવે જીરૂ કરતા પણ લસણ મોંઘું થઈ ગયું! રાજ્યમાં વર્ષે સરેરાશ 18,000 હે.માં વાવેતર, 1.12 લાખ ટન ઉત્પાદન, ચાલુ વર્ષે ઉત્પાદન 32 ટકા ઘટયું અને ભાવ અનેકગણા 

રાજકોટ,:  બરાબર એક વર્ષ પહેલા ફેબુ્રઆરી-2023 માં માર્કેટ યાર્ડમાં આવતી 38થી વધુ કૃષિપેદાશોમાં સૌથી સસ્તુ શુ? તે સવાલનો જવાબ મળતો લસણ. રાજકોટ બેડી યાર્ડમાં લસણ ત્યારે પ્રતિ 20કિલો (મણ)ના રૂ।. 125થી 430ની રેન્જમાં વેચાતું હતું. આ વર્ષે આ જ મહિનામાં લસણનો ભાવ આજે રેકોર્ડ ઉંચાઈએ રૂ।.રૂ।. 4000- 6800એ પહોંચ્યો છે.એટલે કે આશરે 14ગણો થઈ ગયો છે. 

આજે રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં અગાઉ રેકોર્ડ રૂ।.12000ની ઉંચાઈ પ્રાપ્ત કરનાર જીરૂનો ભાવ મહત્તમ રૂ।. 6800 હતો ત્યારે લસણનો ભાવ કપાસ,મગફળીથી માંડીને તમામ જણસીઓમાં સૌથી વધારે રૂ।. 6800 નોંધાયો છે. આમ, તમામ જણસીઓમાં લસણ સૌથી મોંઘુ થયું છે. 

સત્તાવાર માહિતી અનુસાર  લસણના ભાવ જે રીતે વધ્યા છે તે રીતે ઉત્પાદન ઘટયું નથી કે પાક સંપૂર્ણ નાશ પામ્યો નથી. સરકારના કૃષિ વિભાગ અનુસાર પાંચ વર્ષમાં 5.59 લાખ ટન લસણ પાક્યું હતું, અર્થાત્ વર્ષે સરેરાશ 1,11,870 ટનનું ઉત્પાદન થાય છે. ગત વર્ષ ઈ.સ.2022-23 માં આ ઉત્પાદન 1.47 લાખ ટન હતું જે આ વર્ષે 1 લાખ ટનનો અંદાજ છે. અર્થાત્ 32ટકાનો ઘટાડો થયો છે. પરંતુ, ભાવ નવેમ્બર માસથી સતત વધતા રહ્યા છે અને રેકોર્ડ ઉંચાઈએ પહોંચ્યા છે.આ માટે યાર્ડના સૂત્રો માલની આવક દૈનિક 3000 ક્વિન્ટલથી ઘટીને 500થી 600 ક્વિન્ટલ થયાનું અને તેનું કારણ લસણનો પાક મોડો ઉતરી રહ્યો હોવાની શક્યતા જણાવે છે.


Google NewsGoogle News