ગુજરાતમાં ચાઇનીઝ લસણ ઘૂસાડવાનો પ્રયાસ, આવતીકાલે ભારતભરના યાર્ડમાં લસણની લે-વેચ નહી થાય
Garlic Trade Closed Tomorrow : ગત 7 સપ્ટેમ્બરના રોજ રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ચીનનું લસણ ઘુસાડવાના વિરોધમાં દેશના વેપારી દ્વારા આવતી કાલે (10 સપ્ટેમ્બર) લસણનું કામકાજ બંધનું એલાન કર્યું છે. જેમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં લસણનો વેપાર બંધ રહેવાથી ખેડૂતોને યાર્ડમાં લસણ ન લાવવા અપીલ કરવામાં આવી છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં લસણનો વેપાર બંધ
ચીનથી ભારતમાં લસણ ઘુસાડવાની ઘટના બાદ દેશભરના વેપારીઓ વિરોધ કરી રહ્યાં છે, ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટરે જણાવ્યું છે કે, 'આવતી કાલે (10 સપ્ટેમ્બર) રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડમાં લસણનો વેપાર બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. બંધની જાહેરાત વચ્ચે ખેડૂતોને યાર્ડમાં લસણ ન લાવવા અપીલ કરવામાં આવી છે. બીજી તરફ, ચીનમાંથી સસ્તા ભાવે લસણ લઈને ભારતમાં મોંઘા ભાવે વહેંચીને લોકો સુધી પહોંચાડવાનું આખું ષડયંત્ર છે.'
આ પણ વાંચો : ગોંડલ માર્કેટયાર્ડમાં 600 કિલો પ્રતિબંધિત ચાઇનીઝ લસણ મળી આવતાં હડકંપ, તપાસનો ધમધમાટ શરુ
ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેને શું કહ્યું?
ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેનના જણાવ્યા પ્રમાણે, 'ભારતમાં ચીનના લસણનો પ્રતિબંધ હોવા છતા ચીનનું લસણ અહીં યાર્ડમાં આવ્યું હોવાનું વેપારીનું માનવું છે. આ ઘટનાને લઈને અમે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવશે.'