મહીસાગર નદીના પુલ પર ગાબડાં વાહન ચાલકોના જીવને જોખમ
- મહિસાગર તાલુકાના સેવાલિયા પાસે
- ગોધરા તરફના રોડ પરના બ્રિજ ઉપર લોખંડની પ્લેટ, સળિયા, ખિલ્લા બહાર આવવા સાથે મોટા ખાડાં
ગળતેશ્વર તાલુકામાં સેવાલિયા ગોધરા રોડ ઉપર મહીસાગર નદીના પુલ પર દિવસ દરમિયાન હજારો વાહનો પસાર થાય છે. પુલ ઉપર મોટાં ગાબડા પડી ગયા છે. લોખંડની પ્લેટ, સળિયા અને મોટા ખીલ્લા પણ બહાર આવવા સાથે મોટો ખાડો પડી ગયો છે. ત્યારે ગાબડાં પરથી પસાર થતા વાહન ચાલક કાબુ ગુમાવે તો બ્રિજ ઉપરથી નદીમાં ખબકવાનો ભય છે. ઘણીવાર ખાડાંમાં પડવાના બનાવ બન્યા છે પરંતુ, રેલિંગના લીધે ચાલકનો બચાવ થઈ જાય છે. મરામતના અભાવે હાલ તો વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે.
આ અંગે આરએન્ડબી સ્ટેટના નાયબ કાર્યપાલક ઈજનેરે ફોન રિસિવ નહીં કરતા નાયબ મુખ્ય કાર્યપાલક ઈજનેર સુનિલ કિશોરી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મારે ચાર્જ સંભાળે ૧૦ દિવસ થયા છે. માટે પુલ કેટલો જૂનો છે તે અંગે મને જાણ નથી. પણ રોડ પરના ખાડા એક બે દિવસમાં હું રિપેર કરાવી લેવડાવીશ. રોડ મંજૂર થયેલો છે પરંતુ ટેન્ડરિંગ પ્રક્રિયાની તપાસ કરી જાણી લઈશ.