Get The App

જૂનાગઢના યુવાનને ડિજીટલ અરેસ્ટ કરી ગઠિયાઓએ ર૬.૧પ લાખ પડાવ્યા

Updated: Jan 30th, 2025


Google NewsGoogle News
જૂનાગઢના યુવાનને ડિજીટલ અરેસ્ટ કરી ગઠિયાઓએ ર૬.૧પ લાખ પડાવ્યા 1 - image


મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીની આપી હતી ઓળખ

તાઈવાન મોકલેલા પાર્સલમાં ડ્રગ્સ મળ્યું છેજેમાં આધારકાર્ડનો ઉપયોગ થયાનું કહી જેલનો ડર બતાવી અલગ-અલગ ખાતાઓમાંથી પૈસા જમા કરાવી લીધા

જૂનાગઢ :  જૂનાગઢમાં રહેતા એક યુવાનને સાયબર ગઠિયાઓએ મુંબઈ ક્રાઈમબ્રાન્ચના અધિકારીની ઓળખ આપી તાઈવાન મોકલેલા પાર્સલમાં ડ્રગ્સ મળ્યું છે.જેમાં તમારા આધારકાર્ડનો ઉપયોગ થયો છે. તેવી વાત કરી જેલનો ડર બતાવી યુવાનને ડિજીટલ અરેસ્ટ કર્યો હતો. બાદમાં જેલમાં જવું ન પડે તે માટે અલગ-અલગ ખાતાઓમાંથી કુલ ર૬.૧પ લાખ રૃપીયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી હતી. આ અંગે ફરિયાદ થતા આજે જૂનાગઢ સાયબર પોલીસે અજાણ્યા ગઠિયાઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના શશીકુંજ રોડ પર આવેલી ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા અને બેંગ્લોરની કંપનીમાં સિનીયર કન્સલ્ટન્ટટ તરીકે નોકરી કરતા મનન શશીકાંત મહેતા(ઉ.વ.ર૯) વર્ક ફ્રોમ હોમ કરતા હતા. ત્યારે તા.૧ર જુન ર૦ર૪ના અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં તેણે મુંબઈની ડીએચએલ કુરીયર કંપનીના કસ્ટમર ઓફિસર અમિતકુમાર બોલું છું. તેમ અંગ્રેજીમાં વાત કરી હતી. તમારા નામની એક પાર્સલ તાઈવાનના એડ્રેસ પર મોકલવામાં આવ્યું છે. જે મુંબઈ કસ્ટમ દ્વારા ડિટેઈન કરવામાં આવ્યું છે. જેમાં તમારા આધારકાર્ડનો ઉપયોગ થયો છે. આ પાર્સલમાં ૪ કિલો કપડા, એક લોપટોપ, પાંચ પાસપોર્ટ અને ર૦૦ ગ્રામ એમડી ડ્રગ્સ અને ૩પ હજાર મળ્યા છે. તમારે અમારા ઉપલા અધિકારી અંકિત શર્મા સાથે વાત કરવી પડશે તેમ કહી ફોન ટ્રાન્સફર કર્યો હતો.

ત્યાર બાદ અંકિત શર્મા નામના શખ્સે ઉપરાંત મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીની ઓળખ આપી કોઈ વિક્રમસિંહ નામના વ્યક્તિએ વાત કરી હતી.તથા સ્કાઈપ નામની એપ ડાઉનલોડ કરાવી હતી. જે ડાઉનલોડ કરતા ઓનલાઈન મિટીંગ થઈ હતી. તેમાં  આ શખ્સોએ તેનો કેમેરો બંધ કરી દીધો હતો. તેનું એડ્રેસ સ્કાઈપ આઈડી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નામનું હતું. આ શખ્સોએ આધારકાર્ડનો ઉપયોગ મની લોન્ડરીંગ અને ડ્રગ્સ ટ્રાફિકીંગમાં થયો છે. તેમજ ચાર બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. આ ખાતાઓમાં ગેરકાયદેસર રીતે નાણાની હેરફેર થાય છે. આ ગેરકાયદેસર એકાઉન્ટમાંથી મની લોન્ડરીંગનું કમિશન તમારા બેંક ખાતામાં જમા થયું છે તેની ચકાસણી અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવશે. જ્યાં સુધી ચકાસણી ન થાય ત્યાં સુધી વિડીયો કોલ ચાલું રાખી અમારી નજર સામે રહેવું પડશે.તેમ કહ્યું હતું.

મનન મહેતાએ ડરી આ લોકો જેમ કહેતા હતા તે પ્રમાણે કર્યું હતું. તથા આ શખ્સોએ તમે જે અલગ-અલગ જગ્યાએ રૃપીયા રોક્યા હોય તે બધા ભેગા કરી એસબીઆઈ ખાતામાં જમા કરાવો તેમ કહેતા  મનને તેની સેવિંગ કરેલી રકમ એસબીઆઈમાં ટ્રાન્સફર કરી હતી. આ શખ્સોએ કુલ ર૬.૧પ લાખ ચાર અલગ-અલગ ખાતામાં જમા કરાવી લીધા હતા. જો આમાં સંડોવણી નહી ખુલે તો પૈસા ૩૦ મિનીટમાં પરત અપાવી દેશે તેવી વાત કરી હતી.પૈસા જમા કર્યા બાદ મનન મહેતાએ એકાદ કલાક સુધી રાહ જોઈ હતી. ત્યારબાદ પૈસા પરત ન આવતા તેણે આ શખ્સોના નંબર પર સંપર્ક કર્યો હતો. પરંતુ બધા ફોન બંધ થઈ ગયા હતા. ત્યારે મનન મહેતાને પોતાની સાથે ઓનલાઈન છેતરપિંડી થયાની જાણ થતા આ મામલે તેણે સાયબર પોલીસને અરજી આપી હતી. જેના આધારે આજે જૂનાગઢ રેન્જ સાયબર પોલીસે અજાણ્યા ગઠીયાઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સતત એક દિવસ સુધી યુવાનને ઘરની બહાર નીકળવા દીધો ન હતો

તાઈવાન મોકલેલા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યું છે તેમ કહી જેલમાં જવાનો ડર બતાવી મનન મહેતાને સાયબર ગઠીયાઓએ દિવસભર સતત કેમેરા સામે ઓનલાઈન રાખ્યો હતો. દિવસભર તેણે ઘરની બહાર નીકળવા ન દઈ ડિજીટલ અરેસ્ટ કરી માનસિક ત્રાસ આપ્યો હતો.


Google NewsGoogle News