ગેંગસ્ટર 'ભીમા દુલા'ની કયા કેસમાં થઈ ધરપકડ ? 70 હથિયારો જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી, જાણો સમગ્ર મામલો
Bhima Dula Odedara Arrested : પોરબંદરના આદિત્યાણા પંથકના નામચીન ગેંગ લીડર ભીમા દુલા ઓડેદરા સહિત ચાર શખસોની મારામારી કેસમાં પોલીસે ધરપકડ કરી છે. પોલીસે વહેલી સવારે દરોડા પાડીને આરોપીઓ સાથે મોટા પ્રમાણમાં ધોકા, તલવાર, ભાલા, લાકડી, રાયફલ, પિસ્તોલ સહિત 70થી વધુ જીવલેણ હથિયારો અને 91 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા. બોરિચા ગામના વ્યક્તિને માર મારવાના કેસમાં ભીમા દુલાની આદિત્યાણા નજીક તેના ફાર્મ હાઉસથી ધરપકડ કરાઈ છે. ત્યારે હવે પોલીસ દ્વારા સમગ્ર મામલે વિગતવાર માહિતી આપવામાં આવી છે.
મારામારીના ગુના હેઠળ ભીમા દુલાની થઈ ધરપકડ
કુખ્યાત ભીમા દુલાની ધરપકડ બાદ પોરબંદર SP ભગીરથસિંહ જાડેજા દ્વારા સમગ્ર ઓપરેશન અને કાર્યવાહી અંગે માહિતી આપવામાં આવી છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, થોડા મહિના મારામારીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં 62 વર્ષના ફરિયાદી દાના પુનાને માર મારીને ફેક્ચર કર્યું હતું. સૌ પ્રથમ પોરબંદર પોલીસ તપાસ કરી રહી હતી ત્યારબાદ આ કેસ પોરબંદર LCBને સોંપવામાં આવ્યો હતો. જેના ઈન્ચાર્જ પીઆઈ કામળિયા અને તેમની ટીમે ઓપરેશન પાર પાડ્યું હતું.
છેલ્લા બે મહિનાથી રબારી પરિવાર સાથે ચાલતી હતી માથાકુટ
ગઈકાલે બે આરોપી જયપાલ અને વનરાજ ઓડેદરાની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછ દરમિયાન આરોપીઓએ પોતાના ગુનાની કબૂલાત કરી હતી. જે અનુસાર, બોરિચા ગામના ભીમા દુલાના કહેવાથી ગુનાને અંજામ આપ્યો હતો. ભીમા દુલાના ઘરે 14 વર્ષથી કામ કરતા રામનાથ મેઘનાથી અને ફરિયાદી દાના પુના અને તેના સંબંધીઓ સાથે ત્રણેક મહિના પહેલા મોટર સાયકલ ઓવરટેક કરવા બાબતે માથાકૂટ થઈ હતી. જે ઘટનાની જાણ રામનાથે ભીમા દુલાને કરતા તેમણે બે જેટલી ગાડીઓ લઈને બોરિચા ગામમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે ફરિયાદીના કુટુંબીજનોને ધાકધમકી આપી હતી. આમ, છેલ્લા બે મહિનાથી ભીમા દુલાને બોરિચા ગામના રબારી પરિવાર સાથે માથાકુટ ચાલતી હતી.
ફરિયાદીને માર મારીને ફેક્ચર કર્યું હતું
જેને લઈને આજથી 20 દિવસ પહેલા તેને ત્યાં કામ કરતા જયપાલ, મશરી લખમણ, વનરાજ ઓડેદરાને સૂચના આપી હતી કે ફરિયાદી દાના પુના પર ધ્યાન રાખો અને મોકો મળે એટલે તેને મારવાનો છે. ત્યારે ગત 24 તારીખે દાના પુના ઢોર ચરાવવા સીમ વિસ્તારમાં ગયા હતા. તે દરમિયાન આ શખસોએ ધસી જઈને કોદાળીથી ફરિયાદી પર હુમલો કર્યો હતો. જેને લઈને ફરિયાદીને ફેક્ચર થયું હતું.
આ પણ વાંચો : સુરતની હોટલમાંથી ડ્રગ્સ ઝડપાયું, સેક્સ રેકેટનો પણ થયો પર્દાફાશ, 3 પેડલરોની ધરપકડ
મોટા જથ્થામાં જીવલેણ હથિયારો મળી આવ્યા
શરૂઆતમાં આ ગુનામાં અજાણ્યા શખસો હતા. પરંતુ સીસીટીવી ફૂટેજ અને ખાનગી બાતમીદારોની મદદથી ગુનો ઉકેલવામાં પોલીસને સફળતા મળી. ત્યારબાદ ભીમા દુલાને ત્યાં રેડ કરવામાં આવી. રેડ દરમિયાન ફાર્મ હાઉસ પર ખુબ જ મોટા પ્રમાણમાં જીવલેણ હથિયાર, લાઈવ કાર્ટિસ, દારૂની બોટલ, ચાર જેટલા ફાયર રાઉન્ડ્સ મળી આવ્યા. લાઈવ કાર્ટિસમાં 12 બોર રાઈફલના 207 કાર્ટિસ, 38 બોર રાઈફલના 130 કાર્ટિસ, 38 બોર પિસ્તોલના 106 કાર્ટિસ અને રાઈફલના 69 કાર્ટિસ છે. પોલીસને તમામ મુદ્દામાલ સરકારી પંચોની હાજરીમાં મળી આવ્યો. રેડ દરમિયાન ભીમા દુલાના રૂમમાંથી 91 લાખ 65 હજાર 800 રૂપિયા રોકડા મળી આવ્યા છે. તમામ હથિયારો-રોકડને કબજે લઈને ભીમા દુલા સહિતના તમામ આરોપીઓની ધરપકડ કરીને તેના વિરૂદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હથિયારો પત્ની, પુત્રના નામે હોવાનું સામે આવ્યું
હાલ પ્રાથમિક વિગતો અનુસાર, હથિયારોમાં ભીમા દુલાનો દીકરો લક્ષ્મણ ઓડેદરા અને લક્ષ્મણ ઓડેદરાની પત્ની અને ભીમા દુલાની પત્નીના નામે હોવાનું મળી આવ્યું છે. આ બાબતમાં તપાસ ચાલી રહી છે. જો હથિયાર ધારાનો ભંગ હશે તો અલગથી ગુનો નોંધવામાં આવશે. જ્યારે ઈંગ્લિશ દારૂ મળી આવતા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.
ભીમા દુલા સામે પોરબંદર જિલ્લામાં 48 ગુના
ભીમા દુલા વિરૂદ્ધમાં પોરબંદર જિલ્લામાં કુલ 48 ગુના દાખલ થયેલા છે. વર્ષ 1975થી લઈને 2011 સુધીમાં હત્યાના 3 ગુના, હત્યાના પ્રયાસના 4 ગુના, 324-325ના ગંભીર ઈજાના 9 ગુના, ટાડાના 4 ગુના, હથિયાર ધારાના 7 ગુના નોંધાયેલા છે. જોકે, 2011 બાદ ગુનો દાખલ થયેલો નથી. હાલના ગુનામાં તેની સંડોવણી સામે આવતા અમે ધરપકડ કરી છે. અગાઉના કેસ અંગે તપાસ કરી રહ્યા છીએ. ઉપરોક્ત તમામ માહિતી જિલ્લા પોલીસ વડાએ આપી છે.
આ પણ વાંચો : બહરાઈચ હિંસા: 'ત્રણ દિવસમાં દબાણ હટાવો, નહીંતર બુલડોઝર ચાલશે', 23 આરોપીઓના ઘરે નોટિસ
જણાવી દઈએ કે, ભીમા દુલા પૂર્વ ધારાસભ્ય કરસન દુલાના ભાઈ છે. ભીમા દુલા ભૂતકાળમાં વોન્ટેડ હતો ત્યારે 3 વર્ષ બરડાના જંગલમાં રહ્યો હતો. બાદમાં પોરબંદર પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. રાણાવાવ ડબલ મેર્ડર કેસમાં સજા થઈ હતી અને જેલમાં રહ્યો હતો. પોરબંદરના ગેંગ વોરમાં નામ આવ્યું હતું.