વડોદરા પોલીસની અફવાથી દૂર રહેવાની સલાહ પરંતું લૂંટારુઓની ટોળકી સક્રિય : લોકોની સતર્કતાએ લૂંટનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો : ટેમ્પો ઝડપાયો
Vadodara Loot Case : વડોદરા શહેર અને જિલ્લા પોલીસ વિભાગે એક તરફ ચોરી કે લૂંટ કરનારી ટોળકીના વિડીયો અંગે ગેર માર્ગે દોરાવવું નહીં અને અફવા ફેલાવી નહીં તેવી સલાહ લોકોને આપવામાં આવી છે અને જે કોઈ આવી ટોળકી જણાઈ આવે તો પોલીસને જાણ કરવા જણાવ્યું છે. તો બીજી બાજુ આજે વહેલી સવારે સતત ત્રીજીવાર વેમાલી ગામ પાસે આવેલા મેરીલેન્ડ પાર્ટી પ્લોટમાં લૂંટ કરવા આવેલી ટોળકી માટે લોકોએ જાગૃત રહી પકડવાનો પ્રયાસ કરતા ટોળકીના સભ્યો ભાગી ગયા હતા અને ટેમ્પો ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી અને ટેમ્પો જપ્ત કરવાને બદલે લોકોને કહ્યું કે આ ટેમ્પો તમારે પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા આવવું પડશે.
વડોદરામાં લૂંટારાઓની ટોળકી ખુલ્લેઆમ આતંક મચાવી રહી છે અને રોજબરોજ ચોરી અને લૂંટના બનાવો બની રહ્યા છે છતાં પણ પોલીસ કેટલાક કિસ્સામાં એફઆઇઆર દાખલ કરવાને બદલે માત્ર અરજી લઈને તપાસ શરૂ કરતી હોય છે.
વડોદરા શહેરમાં દિન પ્રતિદિન ચોરીની ઘટનાઓનો સિલસિલો યથાવત છે. તસ્કરો દિવસ હોય કે રાત ચોરીની ઘટનાને અંજામ આપી પોલીસ પેટ્રોલિંગ સામે પડકાર ફેંકી રહ્યા છે. આવા માહોલ વચ્ચે ચડ્ડી બનિયાનધારી ટોળકી જીવલેણ હુમલા કરતી હોવાની આ બાબતે સોશિયલ મીડિયામાં ચોરી લૂંટફાટ જેવી ઘટનાઓના ફોટો અથવા વિડિયો વાયરલ પણ થયા હતા. જેથી લોકોમાં ભય ફેલાય નહીં તેને ધ્યાનમાં રાખી વડોદરા પોલીસે આ બાબતે સ્પષ્ટતા કરી છે કે, આવી અફવાઓ પર ધ્યાન આપવું જોઈએ નહીં. વાયરલ થયેલ ફોટો વિડિયો ઘણા જૂના અને અન્ય શહેર જિલ્લાના હોવાનું જણાવ્યું હતું.
વડોદરા શહેર પોલીસ દ્વારા આ અંગે લોકોને અફવાઓથી ગેરમાર્ગે દોરાવવું નહીં તેવી સલાહ આપી છે સાથે-સાથે વડોદરા જિલ્લાના વાઘોડિયા ખાતે પણ પારૂલ યુનિવર્સિટીના એક વિદ્યાર્થીને ચોર સમજીને લોકોએ ફટકાર્યો હતો અને પોલીસને સોંપતા તપાસ કરતા તે ચોર હતો જ નહીં તેવી સ્પષ્ટતા જિલ્લા પોલીસના વિવિધ પોલીસ સ્ટેશનોએ પણ સ્પષ્ટતા કરી ગેરમાર્ગે દોરાવવું નહીં તેવી સલાહ આપી છે.વડુ પોલીસ સ્ટેશન દ્વારા લોકોને સલાહ આપવામાં આવી છે કે કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાઈ આવે તો તેને પકડીને માર મારવાને બદલે પોલીસને તાત્કાલિક જાણ કરી ને સોંપવામાં આવે તે જરૂરી છે.
એક બાજુ પોલીસ લોકોને સલાહ આપે છે તો બીજી બાજુ ગઈકાલે રાત્રે વેમાલી ગામના લોકોએ ટોળકીને પકડવા પ્રયાસ કર્યો હતો પરંતુ ટોળકી ભાગી ગઈ અને ટેમ્પો ઝડપાયો હતો. આ કિસ્સામાં જાણવા મળતી માહિતી પ્રમાણે વેમાલી વિસ્તારમાં આવેલા મેરીલેન્ડ પાર્ટી પ્લોટ ખાતે ગત તારીખ 24 ના રોજ કેટલાક ઈસમો ટેમ્પો લઈને આવ્યા હતા અને પાર્ટી પ્લોટની બહાર એર કન્ડિશનના આઉટર યુનિટ જેનું અંદાજે સાડા આઠ ટન નું એક યુનિટ કાઢીને ચોરી કરીને લઈ ગયા હતા જે અંગે પાર્ટી પ્લોટના સંચાલકે મંજુસર પોલીસ સ્ટેશનમાં જાણ કરી તો માત્ર અરજી લઈને મૂકી દીધી હતી એ પછી કોઈ તપાસ કરવા ગયું જ નહીં.
આ બનાવને ત્રણ ચાર દિવસ વીતી ગયા તે બાદ ફરી તારીખ બીજીના રોજ આ જ ટોળકી ટેમ્પો લઈને આવી હતી અને બીજા બે વધારાના આઉટડોર યુનિટ ગાડીમાં ચોરી કરીને ફરાર થઈ ગઈ હતી. તે અંગેની પણ જાણ પોલીસને કરવામાં આવી હતી. આ પાર્ટી પ્લોટ પર બીજા અન્ય એસીના યુનિટ હતા તે પણ હજી ફરી ચોરવા આવશે તેવી શંકાને ધ્યાનમાં રાખી વધુ સિક્યુરિટી અને ગામના લોકો જાગૃત બનીને વોચ ગોઠવી હતી અને એજ ટોળકી ફરી ગઈકાલે મોડી રાત્રે એસીના આઉટડોર યુનિટની ચોરી કરવાના ઇરાદે ફરી આવી હતી અને લોકોએ બૂમાબૂમ કરીને તેઓને પકડવા જતા ટોળકીના પાંચ થી છ સભ્યો ફરાર થઈ ગયા હતા. જ્યારે ટેમ્પો ઝડપી પાડ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે મારક હથિયારો લઈને આ ટોળકી ફરતી હતી અને ગામ લોકોએ દેકારો મચાવતા ટેમ્પો છોડીને ભાગી છુટ્યા હતા તેમાં એક બે મહિલા પણ હતી. આ અંગે આજે વહેલી સવારે મેરીલેન્ડ પાર્ટી પ્લોટના સંચાલકે ફરી મંજુસર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને પોલીસ સ્થળ પર આવ્યા બાદ ટેમ્પો જપ્ત કરવાની બદલે તેમણે પોલીસ સ્ટેશનમાં તમે ટેમ્પો જમા કરાવો તેમ જણાવ્યું હતું અને ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી હવે એફઆઇઆરની પ્રક્રિયા હાથ ધરી છે.