અમને અમારા રૂપિયા નહીં મળે તો તને અને તારી દીકરીને ઉપાડીને ગેંગરેપ કરીશું..!!! પેરોલ પર આવેલા આરોપીની મહિલાને ધમકી
Vadodara Crime : વડોદરાની ખાનગી ફાઈનાન્સ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતી મહિલાએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મારા પતિ શિક્ષક છે. બિલ ચાપડ રોડ પર વુડ્સ કેપ વિલામાં રહેતા પાર્થ શર્મા તથા પ્રદીપ શર્મા સાથે મારા પતિના સારા સંબંધ હતા બે વર્ષ અગાઉ પ્રદીપ શર્માનું અવસાન થયું હતું. પ્રદીપ શર્માએ શેરોમાં રોકાણ કર્યું હતું તે રૂપિયા કઢાવી આપવા માટે પાર્થ શર્માએ અમને કહ્યું હતું. દરમિયાન પાર્થ શર્મા નાર્કોટિકના ગુનામાં પકડાયો હતો. ત્યારબાદ મારા પતિએ શું કાર્યવાહી કરી હતી તેની મને જાણ નથી.
અગાઉ પ્રદીપ શર્માના ફિક્સ ડિપોઝિટના રાખેલા 25 લાખમાંથી 13,00,000 રવી કલાલના એકાઉન્ટમાં અને 12 લાખ રૂપિયા મારા પતિના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા. ત્યારબાદ રવિ કલાલ અવારનવાર વડોદરા આવી અમારી પાસેથી ટુકડે-ટુકડે તમામ રૂપિયા લઈ ગયા હતા. પાર્થ શર્મા જેલમાંથી પેરોલ પર છૂટીને મને મારા બાર લાખ રૂપિયા મળ્યા નથી તેવી માંજલપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. અમે અઢી લાખની કાર તથા દોઢ લાખ રૂપિયા રોકડા મળીને કુલ ચાર લાખ રૂપિયા આપ્યા હતા અને બાકીના રૂ.8,00,000 પછી આપવાની શરતે સમાધાન થયું હતું. હમણાં પાર્થ શર્મા જેલમાંથી છૂટીને આવ્યો છે અને ગત નવમી નવેમ્બરે પાર્થ શર્મા અને તેની સાથે ઇલિયાસ અજમેરી તથા સમીરખાન પઠાણ તથા તનવીર હુસેન વગેરે મારા ઘરે આવી બાકીના રૂપિયાની ઉઘરાણી કરતાં મારા પતિએ 8 લાખના ચેક આપ્યા હતા. તેઓએ ધમકી આપી હતી કે રૂપિયા નહીં મળે તો મને અને મારી દીકરીને ઉપાડી જઈ ગેંગરેપ કરશે અને મારા પતિની હાલત ખરાબ કરી નાખશે.