વડોદરા એમ.એસ યુનિવર્સિટીના સ્ટાફ ક્વાટર્સમાં ચોર ટોળકીનો ત્રાસ : સિક્યુરિટી મૂકવા માગ
M S University Vadodara : વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટીમાં આવેલી જૂની અને નવી ચાલના સ્ટાફ ક્વોટર્સમાં અવાર-નવાર રાત્રિના સમયે ચોર ટોળકી ત્રાટકી મકાનના દરવાજા ખખડાવી ભય ફેલાવી રહ્યા હોવા અંગે રહીશોએ સિક્યુરિટીના અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી અને સિક્યુરિટી પોઇન્ટ મૂકવા માંગણી કરી હતી.
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં રાત્રી સમયે મુખ્ય દરવાજા સહિત અનેક જગ્યાએ સિક્યુરિટીના જવાનો બંદોબસ્ત અને રાત્રી રોન કરી ફરજ બજાવતા હોય છે પરંતુ એમ.એસ. યુનિવર્સિટીના સ્ટાફ ક્વાર્ટર્સ ખાતે સિક્યુરિટીનો કોઈ પોઇન્ટ નથી કે પછી કોઈ કર્મચારી રાત્રી રોન કરતા નજરે પડતા નથી. જેથી ચોર ટોળકી સક્રિય બની અવારનવાર ત્રાટકીને ઘરના દરવાજા ખખડાવી ભય ફેલાવી રહ્યા છે. અને કર્મચારીઓને રાત્રિ દરમિયાન જાગવાની ફરજ પડી છે.
એમએસ યુનિવર્સિટીના જૂની અને નવી ચાલમાં 52 પરિવારો રહે છે જેમાં બે દિવસ અગાઉ વિદ્યાબેન રાઠોડના ઘરના દરવાજા રાત્રે દોઢ વાગે કોઈ ઇસમોએ ખખડાવ્યા હતા. જેથી તેઓ ગભરાઈ ગયા હતા અને એક કલાક પછી દરવાજો ખોલીને જોતા ચોર ટોળકીના ચાર સભ્યો સ્ટાફ ક્વોટર્સના પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં બેઠેલા નજરે પડ્યા હતા. જેથી સ્થાનિક રહીશોમાં ગભરાટ ફેલાયો હતો.
આ અંગે એમ.એસ.યુનિવર્સિટીના સ્ટાફ ક્વોટર્સમાં રહેતા કર્મચારીઓએ સિક્યુરિટી ઓફિસર સમક્ષ રજૂઆત કરી હતી અને ચોરોના ત્રાસ અંગે વધુ બંદોબસ્ત રાખવા માંગણી કરી હતી. સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે એમએસ યુનિવર્સિટીના તમામ મુખ્ય દરવાજા પર સિક્યુરિટી ફરજ બજાવે છે અને રાત્રી રોન કરી બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. તો સ્ટાફ ક્વોટર્સ વિસ્તારમાં પણ બંદોબસ્ત મૂકવામાં આવે તે જરૂરી છે.