Get The App

વડોદરામાં ઉત્પાત સર્જનાર ચડ્ડી બંડીધારી ગેંગ આખરે ઝડપાઈ, માતવા ગેંગ તરીકે ઓળખાતા ચોરો પાસે 4 લાખના દાગીના-રોકડ કબજે

Updated: Oct 26th, 2024


Google NewsGoogle News
વડોદરામાં ઉત્પાત સર્જનાર ચડ્ડી બંડીધારી ગેંગ આખરે ઝડપાઈ,  માતવા ગેંગ તરીકે ઓળખાતા ચોરો પાસે 4 લાખના દાગીના-રોકડ કબજે 1 - image


Vadodara Chaddi Bandidhari Gang : વડોદરામાં ભારે ઉપદ્રવ મચાવનાર ચોર ટોળકીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે માતવા ગેંગ તરીકે ઓળખાતી ચડ્ડી બંડીધારી ટોળકીના ચાર સાગરીતોને ઝડપી પાડી રૂ.4 લાખ ઉપરાંત મતા કબજે કરી છે. 

ચોર ટોળકીના ખોફને કારણે લોકો જાગી રહ્યા છે એક શકમંદની હત્યા કરી હતી 

વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી ચોર ટોળકી ફરી રહી હોવાની વાત વહેતી થઈ હતી, જેને કારણે સોસાયટી વિસ્તારમાં લોકો જાગરણ કરી રહ્યા હતા. આ દરમિયાન વારસિયા વિસ્તારમાં ચોરીની બાઈક લઇ નીકળેલા ત્રણ શકમંદો પર ટોળાએ હુમલો કરતા એકનું મોત નિપજ્યું હતું. દરમિયાન ચોરીના બનાવોને પગલે શહેર પોલીસ કમિશનરે ક્રાઈમ બ્રાન્ચની ટીમોને સીસીટીવી ફૂટેજ ચકાસવા અને જુના ગુનેગારોને તપાસવા સૂચના આપતા ક્રાઈમ બ્રાન્ચને મહત્વની સફળતા મળી છે. 

ન્યુ અલકાપુરીમાં ઝુંપડું બાંધીને ચડ્ડી બંડીધારી ટોળકી રહે છે

ન્યુ અલકાપુરી વિસ્તારમાં પુષ્પમ ટેનામેન્ટ નજીક ઝૂંપડામાં ચડ્ડી બંડીધારી ટોળકી રોકાતી હોવાની વિગતો મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે વોચ રાખી ગઈ રાત્રે મુખ્ય સૂત્રધાર સુનિલ નારસિગ વોહનીયા (માતવા ગામ,દાહોદ), નિલેશ રેવલાભાઈ મકવાણા (રહે માતવા ગામ), પપ્પુ જવસિંગ તડવી (કંબોઈ ગામ લીમખેડા દાહોદ) અને સુખરામ દેવાભાઈ વડવી (ચીલાકોટા ગામ,લીમખેડા) ને ઝડપી પાડ્યા હતા.

ઝૂંપડામાં સંતાડેલી બે પેટીમાંથી દાગીના, રોકડ અને ચોરીના સાધનો મળ્યા 

પોલીસે ઝુંપડામાં તપાસ કરતા સંતાડેલી બે પેટીઓ મળી આવી હતી. જેમાં એક પેટીમાંથી રૂ.400000 ઉપરાંતની કિંમતના સોના-ચાંદીના દાગીના અને 37,000 રોકડા મળ્યા હતા. આ ઉપરાંત ચાર મોબાઇલ તેમજ ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાતા ત્રણ ખાતરિયા પણ મળી આવ્યા હતા. 

ઝાડીમાં જઈ પેન્ટ શર્ટ બદલીને ચડ્ડી બંડી પહેરતા હતા, હુમલો પણ કરતા હતા 

ચોર ટોળકી સોસાયટીના અંતરિયાળ વિસ્તારો ના મકાનોને ટાર્ગેટ કરતી હતી અને તેમનો સામનો કરે તો પાળિયા, લાકડા અને પથ્થરમારો કરી વળતો હુમલો પણ કરતી હતી. તેઓ રાત્રે બે થી ચાર વાગ્યા સુધીનો સમય પસંદ કરતા હતા અને ચોરી કરતા પહેલાં ઝાડીમાં જઈ પેન્ટ શર્ટ બદલીને ચડ્ડી બંડી પહેરી લેતા હતા.

વડોદરામાં દોઢ ડઝનથી વધુ સ્થળોએ ચોરીઓ કરી, બીજા સાગરીતોની તપાસ 

વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચારેય ચોરોની પૂછપરછ કરતાં વડોદરાના ન્યુ અલકાપુરી, માંજલપુર, ગોત્રી,છાણી સહિતના વિસ્તારોમાંથી 10 થી વધુ સ્થળે ચોરી કર્યાની વિગતો બહાર આવી છે. જ્યારે વડોદરાની બહાર પણ આઠ સ્થળોએ ચોરી કર્યાની માહિતી ખુલી છે. જેથી પોલીસે ચોર ટોળકીના સાગરીતોની પણ શોધખોળ હાથ ધરી છે.

     


Google NewsGoogle News